સુરતમાં વધુ એકનું મોત થતા મૃત્યુઆંક ૬૫, પોઝિટિવ કેસનો આંક ૧૪૪૨ પર પહોંચ્યો અને રિકવરી આંક ૧૦૦૯ થયો
સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૪૪૨ થઈ ગઈ છે. આ સાથે વધુ એકનું મોત થતા શહેર જિલ્લામાં કોરોનાનો મૃતાંક ૬૫ થઈ ગયો છે. ગત રોજ શહેરમાંથી ૩૧ અને જિલ્લામાંથી ૬ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપી દેવામાં આવી છે. આ સાથે શહેર જિલ્લામાંથી અત્યાર સુધીમાં ૧૦૦૯ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. નવા નોંધાયેલા પોઝિટિવ કેસોમાં પાલિકાના રેકર્ડ વિભાગના કર્મચારી, હેલ્થ સેન્ટરના વોચમેન, પ્રોપર્ટી બ્રોકર અને આઈટીઆઈના નિવૃત્ત શિક્ષક તેમજ શાકભાજી વિક્રેતા, ટેલર, કપડાનો દુકાનદાર તેમજ ચા-નાસ્તાની દુકાનવાળાઓનો સમાવેશ થયો છે.
લિંબાયત મઝદા પાર્ક ખાતે રહેતા અસલમ કાલેહ અન્સારી(૩૮) નાસ્તાની દુકાન ચલાવે છે. કોરોનાના લક્ષણો બાદ મંગળવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. લિંબાયત મહાપ્રભુ નગર ખાતે રહેતા ફિરોઝ ફરમાન શેખ ટેલરિંગનું કામ કરે છે. કોરોનાના લક્ષણો બાદ મંગળવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તેવી જ રીતે લિંબાયત નિલગિરી સર્કલ,શિવાજી નગર ખાતે રહેતા મો.જાવેદ મન્સુરી (૩૭) કપડાની દુકાન ચલાવે છે. કોરોનાના લક્ષણો બાદ મંગળવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જ્યારે લિંબાયત, બુધ્ધનગર સોસાયટી ખાતે રહેતા મો.માસૂદ શેખ (૬૨)મજુરાગેટ આઇટીઆઇના નિવૃત્ત શિક્ષક છે. તેમનો રિપોર્ટ પણ મંગળવારે પોઝિટવ આવ્યો છે.
રામપુરા-રામબાગ ખાતે રહેતા નિરવ વિજયભાઈ કંથારીયા એસએમસીના રેકોર્ડ વિભાગમાં ફરજ બજાવે છે. કોરોનાના લક્ષણો જણાતા તેમના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. મંગળવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેવી જ રીતે રૂદરપુરા, પુરબિયા શેરી ખાતે રહેતા રીતેશચંદ્ર કાંતીલાલ (૪૫) નવસારી બજાર ખાતે આવેલી આવેલી ડીકેએમ હોસ્પિટલ-અર્બન હેલ્થ સેન્ટરના વોચમેન છે. મંગળવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હેલ્થ સેન્ટર ખાતે ફરજ બજાવતી વખતે કોઈક દર્દીના સંપર્કમાં આવતા તેમને ચેપ લાગ્યો હોવાની શક્યતા વ્યકત કરાઈ રહી છે. આ ઉપરાંત અમરોલી શિક્ષાપત્રી હાઇટ્સમાં રહેતા અને પ્રોપર્ટી બ્રોકરનું કામ કરતા જાગૃત પટેલ (૩૬) કોરોનાથી સંક્રમિત થયા હતા.
બોમ્બે માર્કેટ સોનિયાનગર ખાતે રહેતા ગુલાબચંદ છોટેલાલ (૪૫)સરદાર માર્કેટમાં શાકભાજીનો વેપાર કરે છે. તેમને કોરોનાનાં લક્ષણો જણાતા સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ મંગળવારે પોઝિટિવ આવ્યો છે. ગોલવાડમાં ચાની લારી ચલાવતા રાજુ ઇશ્વર ચૌહાણ (૪૩)ને પણ શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમના સેમ્પલ લેવાયા હતા. મંગળવારે તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.