સુરતમાં વધુ એકનું મોત થતા મૃત્યુઆંક ૬૩, સિવિલમાં દાખલ દર્દીઓ પૈકી ૫૫ની હાલત ગંભીર
મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા ૧૩૭૨ થઈ ગઈ છે. વધુ એક ૬૪ વર્ષીય મહિલાનું મોત થતા આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃત્યુઆંક ૬૩ થઈ ગયો છે. ગત રોજ શહેરમાંથી વધુ ૩૯ અને જિલ્લામાંથી ૫ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૯૪૬ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે. નવા નોંધાયેલા પોઝિટિવ કેસોમાં શિક્ષક, ડિપ્લોમાંના વિદ્યાર્થી તેમજ ઈંડા, દાણા-ચણા અને કટલેરીની લારી વાળાઓનો સમાવેશ થયો છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પૈકી ૫૫ની હાલત ગંભીર છે.
સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ ૨૬૪ પોઝિટિવ દર્દીઓ પૈકી ૫૫ દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ૨ દર્દીઓ વેન્ટીલેટર પર, ૧૪ બાઈપેપ પર અને ૩૯ દર્દીઓ ઓક્સિજન પર સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
રાંદેર ફરીદા કોર્નર એપાર્ટમેન્ટ ખાતે રહેતા સુફીયાન મોહમ્મદ ઢોલકવાલા(૩૧) રાંદેરની અલ ફૈસની સ્કુલમાં શિક્ષક છે. કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમની તપાસ કરાઈ હતી. જેમાં તેમનો રિપોર્ટ રવિવારે પોઝિટિવ આવ્યો છે. તેવી જ રીતે લિંબાયત સંજય નગર ખાતે રહેતો યશ હેમરાજભાઈ સોનકુશરે(૧૯) ડિપ્લોમાંનો અભ્યાસ કરે છે. તેને પણ શંકાસ્પદ લક્ષણો જણાતા તપાસ કરાઈ હતી. જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
લોકડાઉનમાં છુટછાટ બાદ લારી પર છુટક ધંધો કરી ગુજરાન ચલાવતા લોકોને રાહત થઈ છે. જોકે તેની સામે આવા છુટક ફેરીયાઓમાં સંક્રમણ પણ વધી રહ્યું છે. રવિવારે આવા જ ૩ કેસ સામે આવ્યા છે. કોસાડ અવાસમાં રહેતા પ્યારેલાલ બચ્ચા યાદવ(૬૦) દાણા-ચણાની લારી ચલાવે છે. શંકાસ્પદ લક્ષણો બાદ રવિવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેવી જ રીતે રામપુરા મલ્હાર શેરી ખાતે રહેતા હર્ષદભાઈ પ્રાણજીવનદાસ ટેલર(૬૨) રૂધનાથપુરામાં ઈંડાની લારી ચલાવે છે. કોરોનાના લક્ષણો બાદ રવિવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જ્યારે મોમનાવાડ ખાતે રહેતા શબ્બીર ફિરોઝભાઈ કાંચવાલા(૫૨) કટલેરીની લારી ચલાવે છે. રવિવારે તેમનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.