લોકડાઉન : મોદી આજે મુખ્યમંત્રીઓ સાથે ૫મી વખત વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરશે
રખવાલ, નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પાંચમી વખત વીડિયો કોન્ફરન્સિંગ કરવાના છે. આ બેઠક બપોરે ૩ વાગ્યાથી રાતના ૮ વાગ્યા સુધી ચાલવાની છે. જેમાં દરેક મુખ્યમંત્રીઓને તેમની વાત રજૂ કરવાનો મોકો મળશે. લોકડાઉનનો ત્રીજો ફેઝ ૧૭ મેના રોજ પૂરો થઈ રહ્યો છે. આ સંજોગોમાં મોદી મુખ્યમંત્રીઓ સાથે કોરોનાને ટક્કર આપવાની રણનીતિ, લોકડાઉનમાં છૂટછાટ આપવા અને આર્થિક ગતિવિધિને વેગ આપવા વિશે સુચન માંગશે. બીજી બાજુ કેન્દ્ર સરકારનું ફોકસ હવે ઈકોનોમીને ગતિ આપવા માટે રાજ્યોનું કામકાજ શરૂ કરાવવા પર રહેશે.
કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ રવિવારે રાજ્યોના ચીફ સેક્રેટરી (મુખ્ય સચિવ) અને હેલ્થ સેક્રેટરી (સ્વાસ્થય સચિવ) સાથે વાત કરી હતી. ગૌબાએ કહ્યું કે, રાજ્ય સરકારોએ હવે આર્થિક ગતિવિધિઓ ચાલુ કરવા વિશે વિચારવું જોઈએ. સરકાર મજૂરો માટે શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચલાવી રહી છે. દરેક રાજ્યો તેમાં વધુને વધુ સહયોગ કરે અને વંદે ભારત મિશન અંતર્ગત વિદેશમાં ફસાયેલા લોકોને પરત ફરવામાં મદદ કરે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેબિનેટ સેક્રેટરીની સાથે ચર્ચામાં ઘણાં રાજ્યોએ રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં બનાવવામાં આવેલા નિયમો સામે સવાલ ઉભા કર્યા છે. જ્યારે ઘણાં રાજ્યોએ મજૂરોની વતન વાપસી સામે સવાલ ઉભા કર્યા છે. આ રાજ્યોનું કહેવું છે કે, મજૂરોની વતન વાપસીના કારણે કોરોનાના કેસમાં વધારો થયો છે. આ સંજોગોમાં જે વિસ્તારો ગ્રીન ઝોનમાં છે તે થોડા જ સમયમાં રેડ ઝોનમાં આવી જશે.
ત્રણ વાર વધારવામાં આવ્યું છે લોકડાઉન
વડાપ્રધાન મોદીએ સૌ પહેલા ૨૫ માર્ચે લોકડાઉનની જાહેરાત કરી હતી. પહેલું લોકડઉન ૨૧ દિવસનું આપવામાં આવ્યું હતું. તે ૧૪ એપ્રિલે પુરૂ થવાનું હતું. પરંતુ ત્યારપછી લોકડાઉન ૧૯ દિવસનું વધારી દેવામાં આવ્યું. ૩ મેના રોજ ખતમ થતાં લોકડાઉનને ફરી ૧૪ દિવસ માટે વધારી દેવામાં આવ્યું. જે હવે ૧૭ મેના રોજ ખતમ થવાનું છે.
સોમવારે મોદી ૫૧ દિવસમાં પાંચમી વખત વીડયો કોન્ફરન્સ કરવાના છે. આ પહેલાં તેમની મુખ્યમંત્રીઓ સાથે ચાર વખત વીડિયો કોન્ફરન્સ થઈ ચૂકી છે. તેમણે ૨૦ માર્ચ, ૨,૧૧ અને ૨૭ એપ્રિલે પણ વીડિયો કોન્ફરન્સથી મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી.