રાજયમાં મેઘ મહેર : બે દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાત
ગુજરાત

અમદાવાદ : ગુરુવાર સાંજે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જે બાદ વરસાદે વિરામ લીધો હતો. જાે કે, આજે સવારે કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ મેઘ મહેર થઈ હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
ગઈકાલ રાત બાદ અમદાવાદમાં આજે પણ સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ધોધમાર વરસાદ વરસ્યો. શહેરના વસ્ત્રાપુર, શાસ્ત્રીનગર, રાણીપ, ઘાટલોડિયા, વેજલ પુર, એસ.જી. હાઈવે, જીવરાજ પાર્ક, નારણપુરા, ગુજરાત યુનિવર્સિટી, વસ્ત્રાલ, રામોલ, સીટીએમ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના લીધે સ્થાનિકોને હાલાકી પડી રહી છે. સવારથી જ વરસાદ શરૂ થતાં નોકરી પર જતાં લોકોને પણ મુશ્કેલી પડી હતી. તો એકલદોકલ વિસ્તારોમાં ઝાડ પડવાના સમાચાર પણ સામે આવ્યા છે.
આજે સવારના છ વાગ્યાથી ૧૨ વાગ્યા દરમિયાન રાણીપ વિસ્તારમાં સૌથી વધારે બે ઇંચ વરસાદ પડ્યો હતો. ટાગોર કંટ્રોલ ખાતે પોણા બે ઇંચ, ચાંદખેડા અને ઉસ્માનપુરા ખાતે એક-એક ઇંચ વરસાદ નોંધાયો છે. બોડકદેવમાં પણ એક ઇંચની આસપાસ વરસાદ નોંધાયો છે. સરખેજમાં સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે વટવા ખાતે એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ મેઘરાજાએ સવારથી રમઝટ બોલાવી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ હજી ત્રણ દિવસ ભારે વરસાદ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતાં ૨૨ અને ૨૩ ઓગસ્ટે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે. મહત્વનું છે કે, છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે.
ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં મેઘ મહેર થતાં અત્યાર સુધીમાં ૮૮.૫૫ ટકા વરસાદ નોંધાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.