લોકડાઉનના : પાન-મસાલા, બીડી-સિગારેટ લેવા લોકો દુકાન સામે એક બીજા ઉપર ચઢી ગયા
રખેવાળ, સુરેન્દ્રનગર
કોરોના વાયરસના કારણે લોકડાઉન રહેતા હાલ તમામ પ્રકારના પાન-મસાલા ગુટખાના વેચાણ પર પ્રતિબંધ છે. જેના કારણે પાન-મસાલા, બીડી-સિગારેટના ભાવ બે-ત્રણ ગણા વધી ગયા છે. કારણ કે પાન-મસાલા ગુટખા અને બીડી સિગારેટના બંધાણીઓને તેની લત લાગી હોવાથી ગમે તે રીતે ખરીદી કરવા માગતા હોય છે. ત્યારે હવે સુરેન્દ્રનગરના સાયલાથી એક ઘટના સામે આવી છે.
માહિતી મુજબ સુરેન્દ્રનગરના સાયલામાં પાન, મસાલા બીડીની દુકાનમાં લોકોની ભારે પડાપડી જોવા મળી. લોકડાઉનમાં અચાનક દુકાન ખુલતા લોકો પાન, મસાલા બીડી લેવા ઉમટી પડ્યા હતા. આ દરમિયાન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો. જો કે, સ્થાનિક પોલીસને આ ઘટનાની માહિતી મળતા ઘટના સ્થળે પહોંચી હતી અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આપણે જણાવી દઈએ કે સાયલાના સુદામડા ગામે પાન, બીડીની દુકાન ખુલતા લોકોની પડાપડી જોવ મળી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં દેખાય છે કે કેવી રીતે મોટી સંખ્યામાં લોકો દુકાન પર પાન, મસાલા અને બીડી લેવા ઉમટી પડ્યા છે. આ દરમિયાન લોકોએ માસ્ક પણ પહેર્યા નથી અને સોશિયલ ડિસ્ટેન્સિંગના લીરેલીરા ઉડ્યા હતા. માહિતી મુજબ ખોળની દુકાનમાંથી પોલીસે બીડી, તંમાકુનો જથ્થો જપ્ત કરી દુકાન માલિક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.