લોકડાઉન ૫.૦ : અમદાવાદ સહિત ૧૧ શહેરો પર ફોકસ કરાશે, ધાર્મિક સ્થળો-જિમમાં છૂટ મળે તેવી શકયતા
કોરોનાના સંકટના પગલે લોકડાઉનના પાંચમાં તબક્કા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ લોકડાઉન ૫.૦ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝડપથી ‘મન કી બાત’ કરે તેવી શકયતા છે. લોકડાઉનના પાંચમાં તબક્કામાં કોરોનાથી પ્રભાવિત દેશના ૧૧ શહેરોને બાદ કરતા સમગ્ર દેશમાં વધુ છુટ અપાય તેવી શકયતા છે.
લોકડાઉનના પાંચમાં તબક્કામાં ૧૧ શહેરો મુખ્ય હશે. જેમાં દિલ્હી, મુંબઈ, પુના, થાણે, ઈન્દોર, ચેન્નાઈ, અમદાવાદ, જયપુર, સુરત અને કોલકતા સામેલ છે. આ શહેરોમાં દેશના કુલ કોરોના કેસના ૭૦ ટકાથી વધુ કેસ છે. અમદાવાદ, દિલ્હી, પુના, કોલકતા, મુંબઈમાં તો કુલ કેસના ૬૦ ટકા દર્દીઓની પુષ્ટિ થઈ ચુકી છે.
લોકડાઉનના પાંચમાં તબક્કામાં કેન્દ્ર તરફથી ધાર્મિક સ્થળોને ખોલવાની છુટ અપાય તેવી શકયતા છે. જોકે તેના માટે ચોક્કસ નિયમો અને શરતો હશે. ધાર્મિક સ્થળો પર કોઈ પણ મેળો કે મહોત્સવ મનાવવાની છુટ હશે નહિ. સાથે જ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ શકશે નહિ.
લોકડાઉન ૫.૦ દરમિયાન તમામ ઝોનમાં સલુન અને જિમને ખોલવાની પરવાનગી મળે તેવી શકયતા છે. જોકે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સ્થિત સલુન અને જિમને ખોલવાની પરવાનગી અપાશે નહિ. આ તબક્કામાં કોઈ સ્કુલ, કોલેજ-યુનિવર્સિટીને ખોલવાની પરવાનગી આપી શકાશે નહિ. આ ઉપરાંત મોલ અને મલ્ટીપ્લેક્સને પણ બંધ રાખાય તેવી શકયતા છે.
લોકડાઉનના આ તબક્કામાં લગ્ન અને અંતિમસંસ્કારમાં વધુ લોકોને સામેલ થવાની છુટ અપાય તેવી શકયતા છે. સૂત્રોનું કહેવું છે કે લોકડાઉનનું પાંચમું ચરણ બે સપ્તાહ માટે લાગુ કરાય તેવી શકયતા છે.