સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા આપતી વિદ્યાર્થિની સહિત 40નો કોરાના રિપોર્ટ પોઝિટિવ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલી રહેલી ઓફલાઈન પરીક્ષામાં એક વિદ્યાર્થિની સહિત 40નો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. યુનિવર્સિટીએ પરીક્ષા સમયે કરેલી જાહેરાત મુજબ વિદ્યાર્થિનીના સ્વાસ્થ્ય અંગે કોરાના કવચ માટે રૂ.એક લાખની સહાય મળશે. વિદ્યાર્થિનીને મળતી તમામ સહાય કરવા NSUIના જિલ્લા પ્રમુખે યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરી છે. રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તેમ મોતની સંખ્યા પણ દિવસેને દિવસે વધતી જાય છે. રાજકોટમાં આજે રવિવારે વધુ 11 દર્દીના કોરોનાથી મોત નીપજ્યા છે. ગોંડલમાં આજે વધુ 8 કેસ નોંધાયા છે.
કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં લઈને રાજકોટના મોરબી રોડ પર આવેલા ગૌરીદળ ગામની ગ્રામપંચાયત અને દુકાનદારો વચ્ચે બેઠક મળી હતી. જેમાં રતનપર સાતમ-આઠમના મેળાના કારણે રામજી મંદિરે લોકોની ભીડ ન થાય તે માટે 10થી 14 ઓગસ્ટ સુધી દર્શન બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મેળો પણ બંધ રાખ્યો છે. પોલીસ સ્ટાફને સાથે રાખીને કાલથી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામા આવશે. સાતમ-આઠમમાં ગામમાં લોકોની ભીડ ન થાય તે માટે સાતમ-આઠમથી ચાર દિવસ ગૌરીદળ સમસ્ત ગામ બંધ પાળશે.
સૌરાષ્ટ્રમાં કોરોના વાઈરસના કેસની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા 15 દિવસથી રોજ 90થી ઉપર કેસ નોંધાય રહ્યા છે. રાજકોટ શહેરમાં કુલ કેસની સંખ્યા 1700ને પાર કરી 1736 પર પહોંચી છે અને 751 દર્દી સારવાર હેઠળ છે. ભાવનગર શહેરમાં કુલ કેસની સંખ્યા 1100ને પાર કરી 1109 પર પહોંચી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોનો પોઝિટિવ આંક 687 પર પહોંચ્યો છે.
કોઇ ઓફિસમાં કામના સ્થળે એક વ્યક્તિને પોઝિટિવ આવે છે તો તેમના સંપર્કમાં આવેલાએ ફરજીયાત ક્વોરન્ટીન થઈ જવું. ઘરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું તેમજ માસ્ક સૂતી વખતે પણ પહેરી રાખવું. જો સુવામાં તકલીફ પડે તો જ માસ્ક કાઢવું જોઈએ. વિટામિન સી તેમજ મલ્ટિ વિટામિન, ઝિંક વગેરે યુક્ત આહાર લેવો, ઉકાળા લેવા જોઈએ. હાથ ધોવા જઈએ ત્યારે પણ હાથ ધોતા ધોતા નળને જ્યાંથી અડ્યા હોય ત્યાં પણ સાબુ લગાવી ધોઈ લેવો.