વડોદરામાં વધુ ૨ દર્દીના મોત, ભરૂચમાં એક જ પરિવારના ૩ સભ્યો અને ૨ ભાઇઓ સહિત વધુ ૫ પોઝિટિવ સાથે કુલ કેસનો આંક ૭૩ થયો
વડોદરા શહેરમાં કોરોના વાઈરસથી આજે વધુ ૨ દર્દીના મોત થયા છે. વડોદરાના નવીધરતી રાણાવાસના ૮૨ વર્ષીય કાંતિલાલ રાણાનું કોરોના વાઈરસની સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત થયું છે. માંજલપુર વિસ્તારમાં સુદૈવ ડુપ્લેક્ષમાં રહેતા ૫૭ વર્ષીય જયંતભાઇ ભાલચંદ્ર મિસ્ત્રીનું સારવાર દરમિયાન મોત થયું છે. વડોદરાના ખાસવાડી સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના કેસની કુલ સંખ્યા ૧૪૪૭ પર પહોંચી ગઇ છે અને સત્તાવાર મૃત્યુઆંક ૪૭ ઉપર પહોંચ્યો છે. કોરોનામાં હાલમાં વિવિધ હોસ્પિટલોમાં અને હોમ આઇસોલેશનમાં કુલ ૪૭૩ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. આ પૈકી ૫૩ દર્દી ઓક્સિજન પર અને ૩૮ દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. વડોદરામાં કોરોના વાઈરસથી સાજા થયેલાનો આંક ૯૨૭ થયો છે.
ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ ૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. ભરૂચના નંદેલાવ રોડ પર આવેલી મલ્હાર ગ્રીન સિટીના એક જ પરિવારના ૩ સભ્યોના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, તો પીપળીયા ગામમાં બે ભાઈઓના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ભરૂચ જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૭૩ ઉપર પહોંચી ગઇ છે.
વડોદરા શહેરમાં ગુરૂવારે નવીધરતી, પ્રતાપનગર, યાકુતપુરા, ગેંડીગેટ, દિવાળીપુરા, મદનઝાંપા રોડ, વાઘોડિયા રોડ, ફતેપુરા અને ચોખંડી વિસ્તારમાં કોરોના વાઈરસના કેસો નોંધાયા હતા અને વડોદરા ગ્રામ્યમાં પાદરા, મંજુસર અને કરોડિયામાં કોરોના વાઈરસના કેસો નોંધાયા હતા.