વડોદરામાં કોરોનાથી વધુ બે દર્દીના મોત, ભરૂચમાં વધુ ૫ કેસ નોંધાયા
વડોદરા શહેરમાં કોરોના વાઈરસથી વધુ ૨ દર્દીના મોત થયા છે. વડોદરાના વાડી ભાટવાડામાં રહેલા ૫૨ વર્ષીય રીટાબેન જીતેન્દ્રભાઇ પટેલ અને પાદરાના રેલવે સ્ટેશન પાસે આવેલી સુર્યનગર સોસાયટીમાં રહેતા ૬૯ વર્ષીય જેઠાભાઇ નાનજીભાઇ વાળદનું કોરોના વાઈરસથી મોત થયા છે. બંનેના ખાસવાડી સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લામાં કોરોનાના વધુ ૫ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ભરૂચ શહેરમાં ૩ અને જંબુસરમાં ૨ કેસ નોંધાયા છે. ભરૂચના નંદેલાવ અને ઝાડેશ્વર વિસ્તારમાં એક-એક કેસ સામે આવ્યા છે. ભરૂચ જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા ૯૮ ઉપર પહોંચી ગઇ છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના આછોદ ગામના ૩૫ વર્ષીય દર્દી સુહેલ અહમદ અમીજીનું કોરોનાના સારવાર દરમિયાન મોત થયું છે. તેમને શરદી ખાંસી થતાં તેમણે જંબુસર ખાતે દારુલ ઉલુમ દવાખાનામાં સારવાર લીધી હતી. જ્યાં તેમને ન્યુમોનિયા હોવાનું જણાતા વડોદરા ગોત્રી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ગોત્રી હોસ્પિટલમાં સેમ્પલ લેવામાં આવતા તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ચલાલી ગામમાં માતા અને પુત્રને કોરોના પોઝિટિવ આવ્યો છે. ચલાલી ગામના મંજુલાબેન પપ્પુભાઈ કૂમાવત(ઉ.૩૮) અને તેમના પુત્ર પ્રદિપકુમાર પપ્પુભાઈ કૂમાવતનો રાજસ્થાનથી આવ્યા બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ૧૧ જૂનના રોજ બંનેને તાવ આવ્યો હતો. જેથી તેઓ સારવાર અર્થે લુણાવાડાની જય સર્જિકલ હોસ્પિટલમાં દવા કરાવવા માટે ગયા હતા. ત્યારબાદ લુણાવાડા કોટેજ હોસ્પિટલમાં ૧૩ તારીખે બંનેના સેમ્પલ લેવામા આવ્યા હતા. જેમાં તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી આરોગ્ય વિભાગની ટીમે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૬૧૦ ઉપર પહોંચી ગઇ છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ ૧૦૭૧ દર્દી સાજા થયા છે. વડોદરામાં હાલ ૪૮૯ દર્દી સારવાર હેઠળ છે, જે પૈકી ૯૧ દર્દી ઓક્સિજન ઉપર અને ૩૪ દર્દી વેન્ટીલેટર ઉપર છે. આમ ૧૨૫ દર્દી હાલ ક્રિટીકલ છે.
વડોદરા શહેરમાં સોમવારે પાણીગેટ, રાજમહેલ રોડ, વાડી, નવી ધરતી, હરણી, ગાજરાવાડી, ફતેગંજ, કારેલીબાગ, વાઘોડિયા રોડ, શિયાબાગ, છાણી, વારસિયા રિંગ રોડ અને યાકુતપુરા વિસ્તારમાં કોરોના વાઈરસના કેસો નોંધાયા હતા. જ્યારે વડોદરા ગ્રામ્યમાં પાદરા, અનગઢ, કોયલી, સાવલી અને જરોદમાં કોરોના વાઈરસના કેસો નોંધાયા હતા.