વડોદરામાં ફૂડ સેફટી ઓફિસરોની ટીમે હળદર-મરચું, મુખવાસ, બદામ અને કાજુનો ૫૭૮૭ કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો
વડોદરા મ્યુનિ. કોર્પો.ના ફૂડ સેફટી ઓફિસરોની ટીમોએ વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરીને ૧૧.૫૬ લાખની કિંમતનો શંકાસ્પદ ૫૭૮૭ કિલો જથ્થો સીઝ કર્યો હતો. ખોરાદ શાખાનાં ફૂડ સેફટી ઓફિસરોની ટીમોએ હાથીખાના, ગોરવા, આજવા રોડ, માંડવી વિગેરે વિસ્તારોમાં ઇસ્પેકશનની તથા શંકાસ્પદ જથ્થો સીઝ કરવાની કામગીરી કરી હતી. જેમાં પનીર, બેસન, સીન્થેટીક ફૂડ કલર, તેલ, હળદર, કાજુ, મરચા પાવડર, મુખવાસ, બદામ વગેરેના ૧૩ નમૂના લેવામાં આવેલા. નમુનાઓને પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. આ કામગીરી દરમ્યાન પનીર, બેસન, સીન્થેટીક ફૂડ કલર, તેલ, હળદર, કાજુ, મરચા પાવડર, મુખવાસ, બદામનો શંકાસ્પદ ૧૧,૫૬,૧૫૩ની કિંમતનો ૫૭૮૭ કિલો જથ્થો સીઝ કર્યો હતો.
ખોરાક શાખા દ્વારા જથ્થાબંધ અનાજ કરિયાણા માર્કેટ હાથીખાનામાં મુખવાસ અંગે ચેકિંગ કરવામાં આવ્યું તે દરમ્યાન ફૂડ સેફટી ઓફિસરોને શંકાસ્પદ મરચા પાઉડરનો ૭૦૦ કિલોનો જથ્થો મળી આવ્યો હતો. જે તાત્કાલિક અસરથી જપ્ત કર્યો હતો. જ્યાં સુધી રિપોર્ટ આવે નહીં ત્યાં સુધી મરચા પાઉડરનું વેચાણ કરી શકશે નહીં. કોર્પોરેશનના કમિશનર અને અધિક આરોગ્ય અમલદારે ફૂડ સેફટી ઓફિસરોની ટીમને હાથીખાના બજારમાં તપાસ માટે મોકલ્યા હતા. કલર વાળો મુખવાસ વેચાણ થઈ રહ્યું હોવાથી તેનું ખાસ ચેકિંગ કરવા સૂચના આપી હતી.
હાથીખાનામાં જય અંબે સ્ટોર, પૂર્વી સ્ટોર, મધુવન અને ક્રિષ્ના સ્ટોરમાં ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં એક સ્થળે કલર મુખવાસને બદલે ૭૦૦ કિલો મરચા પાઉડરનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. જેનો નમૂનો તપાસ માટે લેવાયો હતો, અને જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો અને જ્યાં સુધી લેબોરેટરીથી તપાસનો રિપોર્ટ આવે નહીં ત્યાં સુધી વેપારી તેનું વેચાણ કરી શકશે નહીં. આ મરચાની કિંમત રૃ. ૧,૮૩,૦૦૦ થાય છે. આ રિપોર્ટ જો બરાબર હશે તો તેનું વેચાણ કરવાની છૂટ અપાશે, પરંતુ નમૂનો નાપાસ થશે તો અધિક નિવાસી કલેકટરની કોર્ટની સૂચના મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
Tags FOOD suspicious Vadodara