રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં જ નવા ૩૭૬ કેસો સપાટીએ આવ્યા
અમદાવાદ : કોવિડ-૧૯ રોગના કેસો રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા લેવામાં આવેલ રોગ નિયંત્રણ પગલાઓને પરીણામે નિયંત્રિત રહેલ છે. જેના પરિણામ સ્વરૂપ ૧૫ દિવસ પહેલા રાજ્યમાં કેસ બમણા થવાનો દર જે ૧૬ દિવસ હતો તે આજે વધીને ૨૪.૮૪ દિવસ થયો છે. આ કેસ બમણા થવાનો દર ગત સમય દરમિયાન રાજ્યમાં નોંધાયેલ કેસોના ગ્રોથ રેટને આધારે ગણવામાં આવે છે. આમ રાજ્યમાં કોવિડ-૧૯નો રોગચાળો નિયંત્રણ હેઠળ છે, તે ફિલત થાય છે. આજ રોજ રાજ્યમાં અમદાવાદમાં ૨૫૬, સુરત ૩૪, વડોદરા ૨૯, મહીસાગર ૧૪, વલસાડ ૧૦, સુરેન્દ્રનગર ૬, ગાંધીનગર ૫, નવસારી ૪, રાજકોટ ૩ આણંદ, પાટણ અને કચ્છ તથા અન્ય રાજ્ય ખાતે ૨-૨, ભાવનગર, મહેસાણા, પંચમહાલ, બોટાદ, છોટા ઉદેપુર, પોરબંદર અને અમરેલી ખાતે ૧-૧ કેસ એમ રાજ્યમાં કુલ ૩૭૬ નવા કેસ નોંધાયેલ છે. જેની સામે ૪૧૦ દર્દીઓને સાજા થતા રજા આપવામાં આવેલ છે. હાલ રાજ્યમાં કુલ ૬૭૨૦ એક્ટીવ કેસ છે. રાજ્યમાં અમદાવાદ ૧૯, સુરત ૨, મહીસાગર અને વડોદરા ખાતે ૧-૧ મરણ આજ રોજ કોવિડ-૧૯નાં કારણે નોંધાયેલ છે.
આજ રોજ રાજ્યમાં કુલ ૪૧૦ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે. જેમાં અમદાવાદ જીલ્લામાંથી સૌથી વધુ ૩૨૭ દર્દીઓને અને ત્યારબાદ સુરત ૩૦, વડોદરા ૧૧, પાટણ ૮, ભાવનગર ૬, સુરેન્દ્રનગર ૫, દાહોદ, ગાંધીનગર અને વલસાડ ખાતે ૪-૪, ખેડા ૩, મહેસાણા ૨, અરવલ્લી, ગીરસોમનાથ, જુનાગઢ, કચ્છ, પંચમહાલ, અને રાજકોટ ખાતે ૧-૧ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવેલ છે.