બનાસડેરીની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન પરથીભાઈ ભટોળ બન્યા રણ-છોડ
22 વર્ષ ચેરમેન રહેલા પરથીભાઈ ભટોળે મેદાન છોડતા અચરજ
પાલનપુરમાંથી 4, વડગામ 1 અને દિયોદરમાંથી 1 ફોર્મ પરત ખેંચાયું
કુલ 16 માંથી 11 બેઠકો બિનહરીફ
એશિયાની નંબર વન બનાસડેરીની ચૂંટણીમાં મંગળવારે વધુ 6 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા હતા. જેમાં ડેરીના પૂર્વ ચેરમેન પરથી ભટોળે પણ મેદાન છોડ્યું છે. જ્યાં પાલનપુરમાંથી 4, વડગામ 1 અને દિયોદરમાંથી 1 ફોર્મ પરત ખેંચાયું હતું.
એશિયાની સૌથી મોટી બનાસડેરીના ચૂંટણી જંગમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખે કુલ 16 ડિરેક્ટર માટે 37 ફોર્મ રજૂ થયા હતા. જોકે, દાંતા બેઠક, અમીરગઢ, દાંતીવાડા, ધાનેરા, વાવ, રાધનપુર, સુઇગામ અને લાખણીમાં એક જ ઉમેદવાર અને સાંતલપુરમાં પતિ પત્નીએ ઉમેદવારી કરી હોઈ 9 બેેઠકો બિનહરીફ થઈ હતી. દરમિયાન ચકાસણીમાં એક ફોર્મ રદ થયું હતું. બાકીની સાત બેઠકો માટે 28 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા.
દરમિયાન સોમવારે થરાદ બેઠક પર સાંસદ પરબતભાઇ પટેલ અને ભાભર બેઠક પર સામતભાઈ હેમાભાઇ ચૌધરી સામેના ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રો પરત ખેંચતા બંને ઉમેદવારો બિનહરીફ થવા પામ્યા હતા.
દરમિયાન, મંગળવારે પાલનપુરમાંથી 4, વડગામ 1 અને દિયોદરમાંથી 1 ફોર્મ પરત ખેંચાયું હતું. જેમાં ડેરીના પૂર્વ ચેરમેન પરથી ભટોળે પણ મેદાન છોડ્યું છે. હવે 7 ઓક્ટોબર સુધીમાં બીજી કેટલી બેઠકો બિન હરીફ થાય છે. એના ઉપર સૌની મીટ મંડાઈ છે.