બંગાળની ખાડીમાં હવાનું દબાણ બનશે : ચોમાસુ આગળ વધવાની શકયતા
રાજકોટ : ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધુ જોવા મળે છે. જેથી રીજન વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. જયારે બંગાળની ખાડીમાં આજે હવાનું હળવુ દબાણ બનશે જેથી ચોમાસુ આગળ વધવાની શકયતાઓ વધી છે. બંગાળની ખાડીમાં ચોમાસુ પ્રગતિ કરી રહ્યુ ન હતું. હવે પ્રગતિ કરી રહ્યુ છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશના દરીયાકિનારાના વિસ્તારોમાં વધુ વરસાદ થયો છે. કેરળ, કર્ણાટક, કોંકણ, ગોવામાં પણ વરસાદ નોંધાયો છે. ચોમાસુ તામિલનાડુના ચેન્નઈ સુધી પહોંચી ગયુ છે. તામિલનાડુના નિચલા વિસ્તારોમાં હળવો વરસાદ થયો છે. પૂર્વોત્તર અને ઉત્તર ભારતમાં પણ વરસાદની શરૂઆત થઈ છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં અમુક જગ્યાએ વરસાદ પડ્યો છે. આગામી ૨૪ કલાકમાં ઉત્તર ભારતમાં જમ્મુ કાશ્મીરમાં સિસ્ટમ્સ બની હતી જે આગળ વધી છે જેથી આ વિસ્તારોમાં વાતાવરણ ચોખ્ખુ રહેશે પણ અમુક વિસ્તારોમાં વાદળો છવાયેલા રહેશે ઉત્તરી હિમાચલ પ્રદેશ અને ઉત્તરના મેદાની વિસ્તારોમાં વરસાદની શકયતા છે. પંજાબ, હરિયાણા, દિલ્હીમાં વાતાવરણ ચોખ્ખુ રહેશે પણ અમુક જગ્યાએ હળવો વરસાદ થવાની શકયતા છે. જયારે ગુજરાતમાં ભેજનું પ્રમાણ વધ્યુ છે. અરબી સમુદ્રનું એક ટ્રફ સક્રિય છે. જેની પેટર્નથી વરસાદની પેટર્ન બદલાય છે. જેની હવાઓનો ફલો ગુજરાત અને રાજસ્થાન, એમ.પી. સુધી જાય છે. જેની અસરથી આ ભાગોમાં વરસાદ પડે છે. ગુજરાતમાં હવાઓનો ફલો રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત રીજનમાં વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર – કચ્છના પશ્ચિમી વિસ્તારોમાં વરસાદનું જોર રહેશે.