સુરતમાં પોઝિટિવ કેસનો આંક ૨૮૫૫ પર પહોંચ્યો, મૃત્યુઆંક ૧૦૮ અને કુલ ૧૯૦૯ દર્દી રિકવર થયા
શહેરમાં ૮૨ અને જિલ્લામાં ૧૦ સાથે રવિવારે કોરોનાના ૯૨ કેસ પોઝિટિવ નોંધાયા છે. પોઝિટિવ કેસોની સંખ્યા ૨૮૫૫ થઈ છે. રવિવારે શહેરમાં ૪ જિલ્લામાં ૧ મળી કોરોનાના ૫ દર્દીના મોત નિપજ્યા છે. કુલ મૃતાંક ૧૦૮ થઈ ગયો છે. શહેરમાંથી ૫૯ અને જિલ્લામાંથી ૧૧ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી રિકવર થનાર દર્દીની સંખ્યા ૧૯૦૯ પર પહોંચી ગઈ છે. નવા પોઝિટિવ કેસોમાં સિવિલમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા અને કોરોનાના રિજનલ નોડલ ઓફિસર તેમજ સિવિલ હોસ્પિટલના જ અન્ય એક તબીબ અને પ્રાઈવેટ ડોક્ટર તેમજ એલઆઈસીના મુગલીસરા ખાતેના બ્રાન્ચ મેનેજરનો પણ સમાવેશ થયો છે.
નવી સિવિલમાં જ ફરજ બજાવતો કોરોનાના રીજનલ નોડલ ઓફિસર સંક્રમિત થયા છે. કોરોનાની શરૂઆત થી અત્યાર સુધી તેમના માર્ગદર્શન હેઠળ જ કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી હતી. તેમના માર્ગદર્શન હેઠળ જ આશરે ૧૭૦૦ થી વધુ કોરોનાના દર્દીઓ સાજા થઈ ઘરે ગયા છે. શનિવારે મોડી રાત્રે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને પણ આઈસોલેશનમાં દાખલ કરાયા છે. રવિવારે નવી સિવિલ હોસ્પિટલના વધુ એક તબીબનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાંથી ૧૮ જેટલા તબીબો સંક્રમીત થયા છે .
ઉધનાના રહેવાસી મેડિકલ સ્ટોર સંચાલકનો રવિવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. લિંબાયત વિસ્તારમાં ક્લિનિક ચલાવતા પ્રાઈવેટ ડોક્ટર પણ સંક્રમિત થયા છે. રવિવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
કતારગામનો હેર સલુન ચલાવતો યુવક,લિંબાયતનો ગેસ એજન્સી કર્મચારી, ઉધનાના પાલીકાના સફાઈ કર્મી, એલઆઈસીની મુગલીસરા બ્રાંચના બ્રાંચ મેનેજર સહિતના લોકોનો રવિવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.