સુરતમાં પોઝિટિવ કેસનો આંક ૨૫૮૯ પર પહોંચ્યો, મૃત્યુઆંક ૯૫ થયા
રખેવાળ, સુરત
મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની કુલ સંખ્યા ૨૫૮૯ થઈ ગઈ છે. આ સાથે કોરોનાનો શહેર જિલ્લાનો મૃત્યુઆંક ૯૫ થઈ ગયો છે. ગતરોજ શહેરમાંથી ૫૯ અને જિલ્લામાંથી ૪ મળી કુલ ૬૩ દર્દી કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી રિકવર થનાર દર્દીઓની સંખ્યામાં ૧૬૬૪ પર પહોંચી ગઈ છે. નવા નોંધાયેલા પોઝિટિવ કેસોમાં પ્રાઈવેટ તબીબ, સિવિલ હોસ્પિટલની નર્સ, સરદાર માર્કેટના કમીશન એજન્ટ અને કેશિયર, રિલાયન્સના પ્લાન્ટ ઓપરેટર તેમજ એલઆઈસી એજન્ટનો સમાવેશ થયો છે.
વરાછા વિસ્તારમાં રહેતા અને સરદાર માર્કેટના કેશિયરનો ગુરુવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેવી જ રીતે પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા સરદાર માર્કેટના કમીશન એજન્ટનો પણ ગુરુવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
વરાછા વિસ્તારમાં રહેતા અને રિલાયન્સ કંપનીમાં પ્લાન્ટ ઓપરેટર તરીકે નોકરી કરતા યુવકને કોરોનાના લક્ષણો બાદ તપાસ કરાવી હતી. ગુરુવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
સાઉથ ઝોન વિસ્તારમાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફ નર્સને પણ કોરોનાના લક્ષણો બાદ તપાસ કરાવી હતી. ગુરુવારે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તેવી જ રીતે લિંબાયત વિસ્તારમાં પ્રાઈવેટ ક્લિનિક ચલાવતા વધુ એક તબીબને પણ કોરોનાના લક્ષણો બાદ ગુરુવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
કતારગામ વિસ્તારમાં રહેતા એક કમ્પ્યુટર એન્જિનિયરનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેવી જ રીતે કતારગામ વિસ્તારમાં જ રહેતા એલઆઈસી એજન્ટનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત અમરોલી વિસ્તારમાં રહેતા કરિયાણાના દુકાનદાર, તેમજ પાંડેસરા વિસ્તારમાં રહેતા મોબાઈલના દુકાનદાર પણ સંક્રમીત થયા છે.