સુરતમાં શહેરમાં કોરોનાથી પ્રથમ પોલીસ જવાનનું મોત, પોઝિટિવ કેસનો આંક ૨૭૬૩ પર પહોંચ્યો
સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા ૨૭૬૩ થઈ ગઈ છે. આજે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI મગનભાઈ રણછોડભાઈ બારીયાનું મોત થયું છે. સુરતમાં પોલીસ જવાનનું કોરોનાથી મોતની આ પહેલી ઘટના છે. આ સાથે કોરોનાનો કુલ મૃત્યુઆંક શતક પાર કરી ૧૦૪ થઈ ગયો છે. ગત રોજ શહેરમાં ૮૭ અને જિલ્લામાં ૬ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કુલ ૧૮૩૯ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
નવા નોંધાયેલા કેસમાં ફરી એક વખત ફ્રન્ટલાઈન વોરિયર એવા તબીબ, નર્સ સહિતના હેલ્થ કર્મચારીઓ ઝપટમાં આવ્યા છે. શનિવારે નોંધાયેલા પોઝિટિવ કેસોમાં સ્મીમેર હોસ્પિટલના ડોક્ટર, સ્મીમેર હોસ્પિટલની નર્સ, અર્બન હેલ્થ સેન્ટરના આયુર્વેદિક મેડિકલ ઓફિસર, પ્રાઈવેટ ડોક્ટર અને બેન્ક કર્મચારીઓનો સમાવેશ થયો છે. તેવી જ રીતે શનિવારે વધુ ૮ ડાયમંડ વર્કર, હીરાના કારખાનાના મેનેજર તેમજ હીરા વેપારીનો પણ સમાવેશ થયો છે.
વરાછા વિસ્તારમાં રહેતા સ્મીમેર હોસ્પિટલના ડોક્ટરને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. તેવી જ રીતે વેસ્ટ ઝોન વિસ્તારમાં રહેતા અને સ્મીમેરમાં ફરજ બજાવતા નર્સ પણ સંક્રમીત થયા છે. જ્યારે લિંબાયત અર્બન હેલ્થ સેન્ટર ખાતે ફરજ બજાવી રહેલા આયુર્વેદિક મેડિકલ ઓફિસર તેમજ પિપલોદ વિસ્તારમાં ક્લિનિક ચલાવતા ખાનગી તબીબ પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. શનિવારે આ ચારેયનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ઉધના વિસ્તારમાં રહેતા અને સચીનની બેંકમાં નોકરી કરતા બેંક કર્મચારી પણ સંક્રમીત થયા છે. તેવી જ રીતે ડુંભાલ વિસ્તારમાં હોટેલ ચલાવતા બે હોટેલ સંચાલકને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. હોટેલ પર આવતા ગ્રાહકો દ્વારા ચેપ લાગ્યો હોવાની શક્યતા વ્યકત કરાઈ રહી છે.
હીરાના વ્યવસાય સાથે સંકલાયેલા ૧૦ વ્યક્તિઓ સંક્રમતી થયા છે. શનિવારે ૧ હીરાના વેપારી, ૧ હીરાના કારખાનાના મેનેજર તેમજ ૮ રત્નકલાકારનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હીરાના કારખાનાઓ શરૂ થયા બાદ હીરાના કારખાનામાં કામ કરતા કર્મચારીઓમાં સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે.