સુરત : ગોડાદરામાં શ્રમિકો રોડ પર ઉતર્યા, ઓડિશાવાસીઓએ કોરોનાનો રિપોર્ટ કઢાવવા સિવિલ હોસ્પિટલમાં લાઈન લગાવી
સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૮૨૫ થઈ ગઈ છે. જેની સાથે શહેર જિલ્લામાં કોરોનાનો મૃતાંક ૩૭ થઈ ગયો છે. આ સાથે શહેર જિલ્લામાંથી અત્યાર સુધીમાં કુલ ૩૯૦ દર્દીઓ સાજા થયા છે. દરમિયાન ગોડાદરામાં શ્રમિકો વતન મોકલવાની માંગ સાથે રોડ પર ઉતરી આવ્યા છે. જ્યારે ઓડિશાવાસીઓએ કોરોનાનો રિપોર્ટ કઢાવવા સિવિલ હોસ્પિટલમાં લાઈન લગાવી છે.
સુરતથી ઓડિશા જવા માટે કોરોના ટેસ્ટ કરાવવા માટે લોકોએ લાઈનો લગાવી છે. સુરત સિવિલ હોસ્પિટલના કોવિડ-૧૯ સેન્ટર બહાર લાઈનો લાગી છે. સુરતથી ઓડિશા ગયેલા ૨૧ શ્રમિકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી ઓડિશા હાઈકોર્ટે કોરોના રિપોર્ટ કરાવનારને જ એન્ટ્રી આપવાનું ફરજીયાત કર્યું છે. જેથી વતન જવા માટે રિપોર્ટ જરૂરી હોવાથી ઓડિશાવાસીઓએ સિવિલમાં લાઈનો લગાવી દીધી છે. સિવિલમાં શંકાસ્પદ દર્દીઓને દાખલ કરવાની પણ કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.
સુરતથી ઉત્તરપ્રદેશ જવા માટે ખાસ શ્રમિક સ્પેશિયલ ટ્રેન રેલવે દ્વારા શરૂ કરાઈ છે. પરંતુ ઓડિશા અને બિહારની ટ્રેન કોર્ટ અને ત્યાંની સરકારના આદેશ બાદ બંધ કરી દેવામાં આવી છે. જેથી ઉત્તરપ્રદેશના શ્રમિકોમાં પણ ડરનો માહોલ પેદા થયો છે. શ્રમિકોમાં વાત ફેલાઈ કે યુપીની ટ્રેનનું રજીસ્ટ્રેશન રદ્દ કરવામાં આવ્યું છે. જેથી ડરના માર્યા શ્રમિકો બુકીંગ સેન્ટર પર દોડી આવ્યા અને હોબાળો મચાવ્યો. જો કે, સેન્ટરના લોકોએ દરવાજો બંધ કરીને સમજાવટથી કામ લેવાનું શરૂ કર્યું છે. સાથે જ ટોકન પ્રમાણેના શ્રમિકોનું રજીસ્ટ્રેશન શરૂ કર્યું છે.
૯થી ૧૪ મે સુધી એપીએમસી માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી આજથી શાકભાજીનો જથ્થો શહેરમાં વિતરણ થતો અટકી જશે. અત્રે ઉલ્લેખનિય છે કે, શાકભાજાના ૨૫થી વધુ વિક્રેતાઓના રિપોર્ટ પોઝિટિવ આવતા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
નવા નોંધાયેલા પોઝિટિવ દર્દીઓમાં વધુ ૫ શાકભાજી અને ફ્રુટ વિક્રેતાઓ તેમજ ૨ ડેરી સંચાલકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેની સાથે કોરોના સામે યુદ્ધ લડી રહેલા અન્ય ફ્રન્ટલાઈન વોરિયર્સ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જેમાં એક પાલિકા કર્મચારી, તબીબ અને બેન્ક મેનેજરનો સમાવેશ થયો છે.