દક્ષિણ ગુજરાતના ધરમપુરમાં ૩.૨ અને મહુવા-માંગરોળમાં ૧ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો
દક્ષિણ ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ગત રોજથી હળવો વરસાદ વરસી રહ્યો છે. જેમાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના ધરમપુરમાં ૩.૨ ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે એક ઈંચથી વધુ વરસાદ સુરત જિલ્લાના મહુવા અને માંગરોળમાં નોંધાયો છે.
હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ઉપરાંત ઉકાઇ ડેમના ઉપરવાસમાં હજુ વરસાદ શરૂ ન થતાં પાણીની આવક શરૂ થઇ નથી. ડેમની સપાટી સોમવારે સાંજે ૬ વાગે ૩૧૮ ફુટ નોંધાઇ છે.
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭ તાલુકામાં વરસાદ નોંધાયો છે. ૧૭ તાલુકામાં ૧ મીમીથી લઈને ૩.૨ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં સેન્ટ્રલ ઝોનમાં ૫ મીમી, વરાછા-એમાં ૬ મીમી, વરાછા-બીમાં ૫ મીમી, રાંદેરમાં ૧૯ મીમી, કતારગામમાં ૧૦ મીમી, ઉધનામાં ૧ મીમી, લિંબાયતમાં ૨ મીમી અને અઠવામાં ૩ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે જિલ્લામાં બારડોલી તાલુકામાં ૩ મીમી, કામરેજમાં ૪ મીમી, મહુવામાં ૩૧ મીમી, માંગરોળમાં ૨૮ મીમી, પલસાણામાં ૩ મીમી, સુરત શહેરમાં ૧ મીમી વરસાદ નોંધાયો હતો.