
રાજકોટમાં ૨૬નો રિપોર્ટ પોઝિટિવ, ૪ના મોત, ગીર સોમનાથમાં ૧૨, બોટાદમાં ૫ અને ગોંડલમાં ૪ કેસ નોંધાયા.
સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં આજે વધુ ૨૬ કેસ પોઝિટિવ નોંધાયા છે અને ૪ લોકોનાં મોત નીપજ્યા છે. આ સાથે જ ભાવનગરમાં સિટી મામલતદાર ઓફિસમાં ફરજ બજાવતા ઓપરેટર સુભાષભાઈ ચૌહાણનો રિપોર્ટ પોઝિટિવ આવતાં રવિવાર સુધી પબ્લિક ડિલિંગ માટે ઓફિસ બંધ કરવામાં આવી છે. બોટાદમાં ૫ અને ગોંડલમાં ૩ કેસ નોંધાયા છે. જ્યારે વીરપુરમાં ૪૨ વર્ષીય નરેન્દ્રભાઈ મોરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં આજે વધુ ૧૨ કેસ પોઝિટિવ નોંધાયા છે.
બોટાદ જિલ્લામાં કોરોનાના એકસાથે પાંચ પોઝિટિવ કેસો નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. જેમાં બોટાદ શહેરના છત્રીવાળા ખાંચામાં ૭૦ વર્ષીય પુરુષ, હડદડ રોડ પર ૩૨ વર્ષીય પુરુષ, ખોજાવાડીમાં ૩૩ વર્ષીય પુરુષ, પાળીયાદ ગામે ૨૩ વર્ષીય મહિલા અને નાગલપર ગામે ૫૦ વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બોટાદ જિલ્લામાં કોરોનાના કુલ કેસો ૧૫૧ થયા છે. જેમાંથી ૯૯ દર્દીઓને ડિસ્ચાર્જ, ૬ના મોત અને ૪૬ દર્દીઓ સારવાર હેઠળ છે.
જસદણના આટકોટ રોડ ખાતે સોલીટેર સોસાયટીમાં રહેતા અને બેંક ઓફ બરોડાના કર્મચારી સંજયભાઈ કાંતિભાઈ વાઘેલા (ઉં.વ. ૨૯)નો કોરોના રેપિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ જસદણ તાલુકાના આંબરડી ગામે સ્વામિનારાયણનગર વિસ્તારમાં રહેતા સવિતાબેન હિંમતભાઈ પાંચાણી (ઉં.વ.૭૦)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જસદણ તાલુકાના સાણથલી ગામના ભગતના કુવા નજીક રહેતા ઈશીતાબેન પ્રફુલભાઈ વેકરીયા (ઉ.વ.૧૩)નો કોરોના રેપિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
રૈયા રોડ પર રહેતા અરૂણાબેન રાવલ (ઉં.વ.૪૮)નું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે શીતલ પાર્કમાં રહેતાં નટુભાઈ બચુભાઈ રાઠોડ (ઉં.વ.૬૮), પરા પીપળીયાના જયાબેન મનસુખભાઈ ચૌહાણ (ઉં.વ.૬૩) અને ઘંટેશ્વર પાસે રહેતા નિરજભાઈ દિલીપભાઈ શાહ (ઉં.વ.૩૪)નું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૮૯૮ પર પહોંચી છે. જેથી આરોગ્ય વિભાગે જરૂરી કામગીરી હાથ ધરી છે.
રાજકોટના અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલમાં ઓડિટ માટે અધિકારીની કમિટી બનાવવામાં આવશે. પ્રાંત અધિકારી, ચીફ ડિસ્ટ્રીક્ટ મેડિકલ ઓફિસ અને ટ્રેઝરર ઓફિસરની કમિટી બનાવી ખાનગી હોસ્પિટલમાં તપાસ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં વધુ બેડ મૂકવામાં આવશે. કોરોના કેસને લઈને વધુ બેડની વ્યવસ્થા માટે તંત્ર સજ્જ બન્યું છે. વોર્ડ નં.૭ અને ૧૧માં કોવિડ માટેના બેડ ઉભા કરવામાં આવશે.
સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં વિસ્તારમાં કોરોના કેસ વધી રહ્યાં છે. ગુરૂવારે રાજકોટ જિલ્લામાં ૫૧ જૂનાગઢ જિલ્લામાં ૪૦, ગીરસોમનાથ જિલ્લામાં ૩ અને અમરેલી જિલ્લામાં ૬ કેસ નોંધાયા હતા. જામનગરમાં કોરોના અનસ્ટોપેબલ થયો હોય તેમ ગુરૂવારે એક જ દિવસમાં વધુ ૧૩ પોઝિટિવ કેસ નોંધાયા હતાં.
આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે.