નવસારીમાં વહુને બચાવવા ગયેલા સસરા અને દાદી સાસુને પણ કરંટ લાગતા ત્રણેયના મોત
ચોમાસાની સીઝન શરૂ થતા જ કરંટ લાગવાના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. દરમિયાન નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના એક ગામે કરંટ લાગવાની ઘટના બની છે. જેમાં કરંટ લાગતા એક જ પરિવારના ત્રણ લોકોના કરુણ મોત નિપજ્યાં છે. કરૂણતા એ છે કે, વહુને કરંટ લાગતા બચાવવા ગયેલા સસરા અને દાદી સાસુને પણ કરંટ લાગતા ત્રણેયના મોત થયા છે.
એકસાથે ત્રણેય જણાને કરંટ લાગતા ત્રણેયના મોત નીપજ્યા
મળતી માહિતી પ્રમાણે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખૂંધ ગામે પટેલ પરિવારની વહુ કલ્પના પટેલ કપડા સૂકવવા માટે ઘરની બહાર ગયા હતા. ત્યારે તેઓને અચાનક કરંટ લાગ્યો હતો. જેથી તેને બચાવવા માટે ગયેલા સસરા બચુભાઈને કરંટ લાગ્યો હતો. ત્યારબાદ બંનેને બચાવવા ગયેલા દાદી સાસુ લલીબેન પટેલને પણ કરંટ લાગ્યો હતો. જેથી એકસાથે ત્રણેય જણાને કરંટ લાગતા ત્રણેયના મોત નીપજ્યા છે. તમામના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા ચીખલી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકોના નામ
લલીબેન રવજીભાઈ પટેલ (ઉંમર ૮૦ વર્ષ)
બચુભાઇ ઉર્ફે સુમનભાઈ રવજીભાઈ પટેલ (ઉંમર ૬૦ વર્ષ)
કલ્પનાબેન શૈલેષભાઇ પટેલ (ઉંમર ૩૫ વર્ષ)