જૂનાગઢમાં બે વર્ષનું બાળક રમતાં રમતાં ગેલરીમાંથી શેરીમાં પડ્યું
જૂનાગઢમાં બે વર્ષનું બાળક પહેલા માળેથી પટકાયાની ઘટના સામે આવી છે. જૂનાગઢની ગોકુલ નગર સોસાયટીમાં ઘરના પહેલા માળે ગેલેરીમાં રમતું બે વર્ષનું બાળક રમતાં રમતાં નીચે શેરીમાં પટકાયું હતું. જે ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. બાળક પટકાયની પરિવારજોને જાણ થતાં જ તેને પહેલાં જૂનાગઢની હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.જૂનાગઢ શહેરમાં આવેલી ગોકુલ નગર સોસાયટીમાં સાંઈકૃપા નામના મકાનના પહેલા માળે ગેલેરીમાં રમતું બે વર્ષનું બાળક નીચે પટકાયું હતું. જેના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે પરિવારના સભ્યો જ્યારે ઘરની અંદર હતા. ત્યારે આંખના પલકારામાં બાળક નીચે પડી જાય છે. અચાનક જ બાળક નીચે પડવાનો અવાજ આવતા પરિવારજનો દોડી આવે છે. બાળકને મકાન પરથી પડેલો જોઈ ગભરાઈ જાય છે.
આ બાદ પરિવારજનોએ બાળકને સારવાર માટે તાત્કાલિક જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ડોક્ટરને બાળકની વધુ સારવારની જરૂર લાગતાં જેને જૂનાગઢથી રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બાળકની સારવાર ચાલી રહી છે, બાળકની હાલની સ્થિતિ સુધાર પર હોવાનું જાણવા મળી રહ્યું છે.થોડા મહિના અગાઉ સુરત જિલ્લામાં એક રુવાંડાં ઊભાં કરી દે એવી ઘટના સામે આવી હતી. માંગરોળ તાલુકાના નવાપુરા ગામે એક એપાર્ટમેન્ટના ચોથા માળે ઘરની ગેલરીમાં એક દોઢ વર્ષનું બાળક રમી રમી રહ્યું હતું. એ દરમિયાન તે ચોથા માળેથી નીચે પડી જતાં તેને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. બાળક પડી ગયું હોવાની જાણ ઘરમાં કામ કરી રહેલી બાળકની માતાને થતાં તેણે દોટ મૂકી હતી, પણ તેની પાસે માતા પહોંચે એ પહેલાં જ ગંભીર ઈજાઓના કારણે તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. માતાનું રુદન જોઈને સૌકોઈની આંખો ભીની થઈ ગઈ હતી.