જૂનાગઢમાં પ્રતિબંધિત ચાઈનીઝ અને પ્લાસ્ટિકની દોરીનું વેચાણ કરતા 7 ઈસમો મુદ્દામાલ સાથે ઝડપાયા
થોડા દિવસો બાદ જ મકરસંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે જુનાગઢ જિલ્લા તથા શહેરમાં ગેરકાયદેસર અને પ્રતિબંધિત ચાઈનીઝ અને પ્લાસ્ટિકની દોરી તેમજ તુક્કલ વેચનારાઓ વિરુદ્ધ કાયદેસર કરવા જુનાગઢ રેન્જ આઈ.જી નિલેશ જાંજડિયા અને એસપી હર્ષદ મહેતા દ્વારા સૂચના કરવામાં આવી હતી. જેને લઇ જુનાગઢ જિલ્લા તથા શહેરની પોલીસ દ્વારા પતંગ તેમજ ફીરકીના સ્ટોલ પર સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.જુનાગઢ શહેર તથા જિલ્લામાં ચાઈનીઝ પ્લાસ્ટિક દોરીના ઉપયોગથી માણસ તથા પશુ પંખી ના જીવનું જોખમ ઊભું થાય છે. જેને લઇ જુનાગઢ પોલીસ દ્વારા આવી પ્રતિબંધિત વસ્તુઓ વહેંચતા ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વી.જે સાવજ, એ ડિવિઝન ના પીઆઇ જી.ડી રાજપુત,વિસાવદરના પીએસઆઇ એસ. આઈ સુમરા, કેશોદના પીઆઇ બી.બી કોળી,મેંદરડાના પીએસઆઇ વાય.પી હડિયા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા સઘન તપાસ હાથ ધરી 7 ઈસમોને 41,000 થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
મેંદરડા વિસાવદર, જુનાગઢ, કેશોદ પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી 7 ઈસમોને પકડી પાડવામાં આવ્યા હતા. મેંદરડા શહેરમાંથી સફિકભાઈ સોલંકી, અને સ્તાકભાઈ કોરડીયાને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની નાની મોટી ફીરકી 11 તેમજ ચાઈનીઝ તુકક્લ 50, કિં રૂ 2600, વિસાવદરના યુસુફી ભાઈ વોરાને ચાઈનીઝ દોરીનો કુલ મુદ્દામાલ કિં રૂ 26,230, જુનાગઢ શહેરના જોષીપરા વિસ્તારના પટેલ સમાજની બાજુમાંથી નરેશ મોહનભાઈ ભાલીયા નામના વ્યક્તિને ચાઈનીઝ દોરી ની ફીરકી નંગ 3 કિં રૂ 600, કેશોદ શહેરમાં પતંગનો અને દોરીનો સ્ટોલ ચલાવતા મયુર જયપ્રકાશ પારવાણી, કૈલાશ મોહનલાલ દાવડાને ચાઈનીઝ દોરી ની ફીરકી નંગ 33 કિં રૂ 9900, તેમજ જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રવીણ કરશનભાઈ ચાવડા ને ચાઈનીઝ દોરીની ફીરકી 11 કિં રૂ 2200 ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.. હાલ પકડાયેલ તમામ મકરસંક્રાંતિના પર્વ પર વેંચવા ગેરકાયદેસર પ્રતિબંધિત દોરી અને તુકલ્લો ક્યાંથી લાવ્યા તે માટેની પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે..