ગુજરાત : બોટાદમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા, રાજ્યમાં કોરોનાના કુલ ૭૦૧૫ દર્દી, મૃત્યુઆંક ૪૨૫એ પહોંચ્યો

ગુજરાત
ગુજરાત

રખેવાળ, ગાંધીનગર
બોટાદ જિલ્લામાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથેજ જિલ્લામાં કુલ દર્દીઓની સંખ્યા ૫૦એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો ૭૦૧૫એ પહોંચ્યો છે અને કુલ મૃત્યુઆંક ૪૨૫ છે. આ સાથે જ કુલ ૧૭૦૯ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. દેશભરના આંકડા સાથે સરખામણી કરીએ તો દેશના ૨૫ ટકા મોત એકલા ગુજરાતમાં અને ગુજરાતના ૭૫ ટકા મોત અમદાવાદમાં થયા છે. દરમિયાન, ગુરુવારે રાજ્યમાં ટેસ્ટની સંખ્યા પણ ૧ લાખને પાર થઇ ચૂકી છે. સારી વાત એ રહી કે ગુરુવારે એક દિવસમાં ૨૦૦થી વધુ દર્દીઓ સાજા થઇને ઘરે પાછા ફર્યા છે. જોકે, હજુ પણ ૨૬ દર્દી વેન્ટિલેટર પર છે.

ગુરુવારે એક સાથે રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલાં ૨૦૯ કોરોના પોઝિટીવ દર્દીઓએ સાજાં થઇને ડિસ્ચાર્જ મેળવ્યો હતો. કોરોના સામેનો જંગ જીતી ચૂકેલાં દર્દીઓની સંખ્યા ગુજરાતમાં ૧૭૦૯ પર પહોંચી છે. જે ગુરુવારના નવા ૩૮૮ સહિત અત્યાર સુધી નોંધાયેલાં કુલ ૭૦૧૩ પોઝિટીવ દર્દીઓની સાપેક્ષે ૨૪.૩૬ ટકા અર્થાત લગભગ ચોથા ભાગના છે. હવે રાજ્યમાં કુલ ૪,૮૭૯ એક્ટિવ દર્દીઓ છે જેઓ સારવાર હેઠળ છે અને તેમાં પણ ૨૬ વેન્ટિલેટર પર રહેલાં દર્દીઓને બાદ કરતાં બાકીના ૪,૮૫૩ દર્દીઓની સ્થિતિ સ્થિર છે એટલે તેમના સ્વસ્થ થવાના સંજોગો વધુ છે. તેની સામે મૃત્યુનું પ્રમાણ જોઇએ તો ગુરુવારે વધુ ૨૯ દર્દીઓના મોત સાથે કુલ આંકડો ૪૨૫ પર પહોંચ્યો છે.

આ કિસ્સામાં ૧૨ દર્દીઓ તો એવાં હતાં જે માત્ર કોરોનાને કારણે મૃત્યુ પામ્યાં હોય. અર્થાત હવે ૪૨૫ પૈકી ૧૧૧ દર્દીઓ એટલે લગભગ ૨૫ ટકા કરતાં વધુ દર્દીઓ એવાં હતાં કે જેઓને બીજી કોઇ તકલીફ ન હતી પરંતુ માત્ર કોરોનાનો ચેપ લાગ્યાં બાદ સ્થિતિ ગંભીર થતાં તેઓ મૃત્યુ પામ્યાં હતાં. મૃત્યુ પામનારા ૨૯ પૈકી ૨૩ અમદાવાદના, ૪ સૂરતના જ્યારે બનાસકાંઠા અને મહેસાણામાં ૧-૧ કેસ નોંધાયો છે. પોઝીટીવ કેસોની સંખ્યા જોઇએ તો નવા ૩૮૮ કેસ પૈકી ૨૭૫ કેસ અમદાવાદમાં નોંધાયા છે, જે બુધવારે નોંધાયેલાં કેસ કરતાં થોડાં ઓછાં છે. આમ, અમદાવાદમાં સ્થિતિ સુધરતી હોય તેવું પ્રાથમિક રીતે દેખાય છે.

ગુજરાતમાં છેલ્લાં ૨૪ કલાકમાં કુલ ૫,૩૬૨ સેમ્પલ ટેસ્ટ કરાયાં હતાં. આ સાથે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૧,૦૦,૫૫૩ ટેસ્ટ કરાયાં છે. જે પૈકી ૭૦૧૩ પોઝિટીવ જણાયાં છે. રાજ્યમાં કુલ સેમ્પલમાંથી અંદાજે સાત ટકા જેટલાં સેમ્પલ પોઝિટીવ આવતા હોવાની સરેરાશ હાલ છે. કોરોના પોઝિટીવ દર્દીઓના સીધા સંપર્કમાં આવેલા ૬૬,૮૬૧ દર્દીઓ હાલમાં ક્વોરન્ટાઇન છે. આ દર્દીઓને આયુર્વેદ અને હોમિયોપેથીની રોગપ્રતિકારક શક્તિ વધે તેવી દવા અપાઇ રહી છે.

રાજ્યમાં કોરોનાના કેસો અંગે અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ ૧૯ના ૩૮૮ નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં ૨૭૫, સુરતમાં ૪૫, અરવલ્લીમાં ૨૫, વડોદરામાં ૧૯, ગાંધીનગરમાં ૫, દાહોદમાં ૪, જામનગરમાં ૪, બનાસકાંઠામાં ૩, ખેડામાં ૩ અને રાજકોટમાં ૨, ભાવનગર, દેવભૂમિ દ્વારકા અને રાજસ્થાનમાં ૧-૧ કેસ સામે આવ્યા છે. જ્યારે ૧૨ દર્દીના કોરોનાને કારણે અને ૧૭ દર્દીના હાઈરિસ્ક, અન્ય બીમારી અને કોરોનાથી મૃત્યુ થયા છે. તેમજ આજે ૨૦૯ દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યાં છે. અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ ૭૦૧૩ દર્દીમાંથી ૨૬ વેન્ટીલેટર પર અને ૪,૮૫૩ની હાલત સ્થિર છે. જ્યારે ૧૭૦૯ દર્દી ડિસ્ચાર્જ અને ૪૨૫ના મૃત્યુ થયા છે. ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો આપણે અત્યાર સુધીમાં ૧ લાખ ૫૫૩ ટેસ્ટ કર્યાં છે. જેમાંથી ૭૦૧૩ના રિપોર્ટ પોઝિટિવ અને ૯,૩૫૪૦ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.