ડીસામાં બહારથી આવેલા લોકોએ જોખમ ઉભું કર્યું : વધુ ૪ કેસ પોઝીટીવ
અમદાવાદ જેવા હોટ સ્પોટ વિસ્તારમાંથી આવેલા લોકોએ શહેરને બાનમાં લીધું
રખેવાળ ન્યુઝ ડીસા
ઉત્તર ગુજરાતના રેડ ઝોન એવા બનાસકાંઠાના વેપારી મથક ડીસામાં બહારથી કોરોના લઈ આવેલા લોકોએ જોખમ ઉભું કર્યું છે અને તેની ભય મિશ્રિત અસર ડીસા વાસીઓમાં થવા પામી છે અત્યાર સુધી ડીસામાં એક અને ગ્રામ્ય વિસ્તાર એવા આસેડામાં બે મળી કુલ ત્રણ કેસ સામે આવ્યા હતા. જોકે ગુરુવારે ફરી અમદાવાદથી આવનાર વધુ ચાર લોકો પોઝીટિવ આવ્યા છે. જેમને તાત્કાલિક અસરથી કોવિડ હોસ્પિટલ ડીસા ખાતે ખસેડવામાં આવ્યા છે અને ડીસા સહિત જિલ્લામાં ૬૯ જેટલા પોઝીટિવ કેસ નોંધાયા છે.
ડીસા લોકડાઉનના અમલ દરમ્યાન બહારથી આવેલા લોકોના કારણે કોરોનાગ્રસ્ત થવા પામ્યું છે જેમાં અમદાવાદના શાહીબાગ વિસ્તારમાંથી અનઅધિકૃત રીતે આવેલા દેયા પરિવારના સભ્યોમાં સૌ પ્રથમ પોઝીટિવ કેસની પુષ્ટિ થવા પામી હતી તેમજ આસેડા ખાતે પણ એક દમ્પતી અમદાવાદથી આવ્યા બાદ કોરોના પોઝીટિવ આવ્યું હતું. આમ તો ડીસા ખાતે વસતા અનેક પરિવારો વ્યવસાય અર્થે અમદાવાદ વડોદરા ,સુરત ખાતે સ્થાયી થયા છે પરંતુ હાલમાં અમદાવાદ કોરોના હોટ સ્પોટ બની જતા ત્યાં દિન પ્રતિદિન કોરોના મહામારીના કેસ વધતા આવા અનેક લોકોએ સુરક્ષિત એવા માદરે વતન ડીસા ભણી દોટ મૂકી હતી અને પરિણામે ડીસા સ્વયં જોખમમાં મુકાઈ ચૂક્યું છે. ડીસા તાલુકામાં બે દિવસ દરમિયાન બહારથી આવેલા છ જેટલા લોકોને કોરોના પોઝીટિવ આવ્યા બાદ ગુરુવારે અમદાવાદથી આવેલા વધુ ચાર લોકોને કોરોના પોઝીટિવ આવતા ડીસા તાલુકામાં કોરોના પોઝીટિવ કેસની સંખ્યાબેકી આંકડા એ પહોંચી જવા પામી છે જેમાં ભવાની જબરરામ ગેલોત, ઉંમર ૧૭ વર્ષ, આશિષ રમેશભાઈ શાહ, ઉંમર ૩૫ વર્ષ, રમીલાબેન રમેશભાઈ શાહ ઉંમર ૬૨ વર્ષ, એકતાબેન અમિતભાઈ શાહ, ઉંમર ૪૦ વર્ષ ને કોરોના પોઝિટિવ આવ્યો છે. અગાઉના છ કેશ મળી ડીસા તાલુકા માં કોરોના પોઝીટિવની સંખ્યા દસ થવા પામી છે.૪૦ દિવસના લોકડાઉન બાદ અચાનક સરકાર દ્વારા વિવિધ રાજ્યોમાં ફસાયેલા લોકોને માદરે વતન જવાની અપાયેલી છૂટના પગલે મોટી સંખ્યામાં લોકો અમદાવાદ ,સુરત , વડોદરા ,રાજકોટ ,મુંબઈ જેવા જોખમી શહેરોમાંથી બનાસકાંઠા જેવા વિસ્તારોમાં આવતા સ્થિતિ વણસી જવા પામી છે અને આગામી સમયમાં હજુ વધુ કોરોનાના કેસ સામે આવવાની શક્યતા પણ નકારી શકાતી નથી.