કોરોના ગુજરાત : રાજ્યમાં કુલ ૫,૪૨૮ દર્દી અને મૃત્યુઆંક ૨૯૦, આજથી અમુક છૂટછાટો સાથે લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ

ગુજરાત
ગુજરાત

રખેવાળ, ગાંધીનગર
રાજ્યમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં સતત પાંચમા દિવસે ૩૦૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. રવિવારે રાજ્યમાં ૩૭૪ વધુ કેસ સાથે કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૫૪૨૮ થઇ છે, જ્યારે એક જ દિવસમાં સૌથી વધુ ૨૮ દર્દીના મોત સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૨૯૦ પહોંચ્યો છે. જ્યારે ૧૪૬ દર્દીઓ સાજા થતા રાજ્યમાં કુલ ૧૦૪૨ દર્દીઓ સાથા થઇ ઘરે પરત ફર્યા છે. નોંધનીય છેકે, આ પહેલા ૧૯ એપ્રિલે ૩૬૭, ૨૯ એપ્રિલે, ૩૦૮, ૩૦ એપ્રિલે ૩૧૩, ૧ મેના રોજ ૩૨૬, ૨મેના રોજ ૩૩૩ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે સતત પાંચમાં દિવસે ૩૦૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. આજથી ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોનમાં અમુક છૂટછાટો સાથે લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ થશે.

ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ(GCRI)ના ડાયરેક્ટર ડૉ.શશાંક પંડ્યાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્ટાફના ૮થી વધુ સભ્યો કોરોના પોઝિટિવ હોવા છતાં તેમના માટે દવાઓ કે પલંગની વ્યવસ્થા ન કરી હોવાથી શશાંક પંડ્યાને સસ્પેન્ડ કર્યાં છે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયેલા નિર્ણની વિગતો આપતા મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં હજુ બે અઠવાડિયા સુધી પાન, ગુટખા, બીડી-સીગરેટની વેચાણ કરતી દુકાનો અને લિકર શોપ ચાલુ કરી શકાશે નહીં. આ નિર્ણયને પગલે અમદાવાદ,વડોદરા, રાજકોટ અને સુરતમાં કોઇ છૂટછાટ આપવામાં આવશે નહીં. રાજકોટ ઓરેન્જ ઝોનમાં હોવા છતાં લોકડાઉનનો કડક અમલ કરાશે. દરેક ઝોનમાં સાંજે ૭ વાગ્યાથી સવારે ૭ વાગ્યા સુધી ઘરમાં જ રહેવું પડશે.

આ નિર્ણય અંતર્ગત ઓરેન્જ અને ગ્રીન ઝોન જાહેર થયેલા વિસ્તારોમાં હેરકટીંગ સલૂન, બ્યુટીપાર્લર અને ચા-કોફીની દુકાન-ટી સ્ટોલ ખુલ્લા રાખી શકાશે. ઓરેન્જ અને ગ્રીન ઝોન વિસ્તારોમાં કેબ અને ટેક્સી સેવાઓ ડ્રાઈવર વત્તા બે મુસાફરો સાથે ચાલુ કરી શકાશે. ગ્રીન ઝોન જાહેર થયેલા વિસ્તારોમાં એસ.ટી.ની બસો વધુમાં વધુ ૩૦ મુસાફરો સાથે ચાલુ થઇ શકશે તેમજ ગ્રીન ઝોન વિસ્તારો પૂરતા આંતરજિલ્લા અને જિલ્લાની આંતરિક બસ સેવાઓ શરુ થઇ શકશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.