છોટા ઉદેપુર જિલ્લામાં અંતરિયાળ વિસ્તારમાં શાળાના બાળકો ગાડીમાં હકડેઠઠ બેસવા મજબૂર
છોટા ઉદેપુર જિલ્લામાં અંતરિયાળ વિસ્તારમાં શાળામાં અભ્યાસ કરતા બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાના અભાવે ઘેટાં-બકરાની જેમ ગાડીઓમાં બેસીને જવાનો વારો આવ્યો છે. કેટલીક જગ્યાએ નાના કુમળીવયના બાળકો ગાડીને ધક્કો મારતાં પણ નજરે પડ્યા હતા.છોટા ઉદેપુર જિલ્લો એ આદિવાસી જિલ્લો છે. આ જિલ્લામાં શિક્ષણ મેળવવા માટે લોઢાના ચણા ચાવવા પડે તેવી સ્થિતિ છે. શિક્ષણ મેળવવા માટે ટ્રાન્સપોર્ટેશન, શિક્ષકોની ઘટ, શાળામાં ઓરડા જર્જરિત જેવી સમસ્યાઓ જોવા મળે છે. થોડા દિવસો પહેલા ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ન હોવાને કારણે સંખેડા તાલુકાનો બાળકીઓ સાથે ખાનગી વાહનમાં છેડતીની ઘટના ઘટી હતી. તેમ છતાં વહીવટીતંત્ર આ બાબતે ઉદાસીન જણાય છે.
છોટા ઉદેપુર જિલ્લામાં શાળાના બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધાના અભાવે મજબૂરીમાં ખાનગી વાહનનો સહારો લેવો પડે છે. ત્યારે ગઈકાલે સાંજે ભિખાપુરા વિસ્તારમાં એક ખાનગી ગાડીમાં જઈ રહેલા કુમળીવયના શાળાના બાળકો ધક્કો મારતાં હોવાનો વીડિઓ વાઇરલ થયો હતો, ત્યારે આજે ભિખાપુરાની ખાનગી શાળા પાસે જઈને જોતા આ શાળાના બાળકો ખાનગી વાહનમાં કેપેસિટી કરતા વધુ સંખ્યામાં બેસાડીને લઈ ગયા હોવાનું જણાઈ આવ્યું હતું. એક વાહનમાં લગભગ 10 કરતા વધુ બાળકો બેસેલા નજરે પડ્યા હતા. ગાડીમાં બાળકોને હલનચલન કરી શકે તેટલી પણ જગ્યા દેખાતી ન હતી.આ અંગે શાળાના આચાર્યને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, આ વાહનો વાલીઓએ નક્કી કરેલા છે. શાળાએ એકપણ વાહન મુક્યું નથી, પરંતુ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નથી એટલે વાલીઓએ આ વ્યવસ્થા કરી હોય તેવું બની શકે છે.એક બાજુ અઠવાડિયા પહેલા વડોદરા હરણી ખાતે કેપેસિટી કરતા વધુ બાળકોને બોટમાં બેસાડતા બોટ ડૂબી ગઈ હતી. જેમાં 14 બાળકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવા છતાં વહીવટીતંત્રના પેટનું પાણી હાલતું નથી અને આ રીતે બાળકોમાં જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે.