અમરેલી જિલ્લામાં અલગ-અલગ ચાર સ્થળો પર દરોડા પાડી ખનીજ ચોરી ઝડપી પાડી
રાજ્યભરમા ખનીજ ચોરીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે ત્યારે અમરેલી જિલ્લામાં ખનીજ ચોરી સંપૂર્ણ અંકુશમાં લાવવા માટે જિલ્લા કલેકટર અજય દહીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ખાણ ખનીજ અધિકારી રોયલ્ટી ઇન્સ્પેક્ટરો સહિત ટીમો દ્વારા ખનીજ ચોરી કરતા વિસ્તારમાં અલગ અલગ 4 દરોડા પાડવામાં આવ્યા છે અને 50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.અમરેલી તાલુકાના માંગવાપાળ વિસ્તારમાંથી સાદી માટી ચોરી કરતા 1 ટ્રેક્ટર સીઝ કર્યું, ધારીના ગરમલી માંથી ખનીજ ચોરી કરતા 2 ટ્રેક્ટર સિઝ કર્યા, અમરેલી કુંકાવાવ ચોકડી નજીક 1 ડમ્પર રેતી ભરેલું રોયલ્ટી પાસ વગર બિનધિકૃત રીતે વાહન સિઝ કર્યું. ધારીના ગઢીયા ગામ નજીક માટી ચોરી કરતા 2 ડમ્પર 1 જેસીબીને સિઝ કરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમરેલી ખાંણ ખનીજ વિભાગ દ્વારા કુલ 50 લાખનો મુદામાલ જપ્ત કરી મોટી કાર્યવાહી કરતા ખનીજ ચોરી કરતા ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
અમરેલી જિલ્લા રોયલ્ટી ઇન્સ્પેકટર ભાવેશ સાધુના જણાવ્યા પ્રમાણે અલગ-અલગ વિસ્તારમાં 4 દરોડા પાડી માટી રેતી ચોરી કરતા વાહનો સિઝ કરી દંડનીય કાર્યવહી હાથ ધરવામાં આવી છે ખનીજ ચોરી અંકુશમાં લાવવા માટેની કવાયત હાથ ધરી છે.એક અઠવાડિયામાં અગાઉ લીલીયા, સાવરકુંડલા, અમરેલી વિસ્તારમાં ખનીજ ચોરીના વાહનો ઝડપાયા બાદ વધુ 4 દરોડા પાડવામાં આવ્યા છે. સમગ્ર જિલ્લામાં ખનીજ ચોરી કરતા વાહનો સામે ખાનગી રાહે વોચ ગોઠવી દરોડા પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના કારણે ઘણા અંશે ખનીજ ચોરી અંકુશમાં આવી છે.