રાજકોટની સ્કૂલમાં શિક્ષકાએ ભગવાન રામ અને રામમંદિરની 21 ફૂટની રંગોળી બનાવી
22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય રહ્યો છે. ત્યારે રાજકોટની એક સ્કૂલમાં ભગવાન રામ અને રામમંદિરની 21 ફૂટની રંગોળી બનાવવામાં આવી છે. સ્કૂલનાં આર્ટ એન્ડ ક્રાફ્ટના શિક્ષકે અદભૂત રંગોળીનું સર્જન કર્યું છે.રાજકોટની વાય કિંગ પ્રિ-સ્કૂલના પ્રિન્સિપાલ ઉમાબેન ચીકાણીએ જણાવ્યું હતું કે, સ્કૂલનાં આર્ટ એન્ડ ક્રાફ્ટના શિક્ષક હિમાંશી ધોરડાએ સ્ટાફની મદદથી ધનુષધારી ભગવાન શ્રીરામ અને રામમંદિરની અદભૂત પ્રતિકૃતિરૂપ રંગોળીનું નિર્માણ કર્યુ છે. અયોધ્યામાં રામમંદિરના નિર્માણનો લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે ત્યારે આ ઉત્સાહને અદભૂત રંગોળીરૂપે દર્શાવવામાં આવ્યો છે. 21 ફૂટની આ રંગોળીના નિર્માણ માટે 8 કલાકનો સમય લાગ્યો હતો અને 40 કિલો કલરની જરૂરિયાત પડી હતી.
માતા વર્ષાબેને જણાવ્યું હતું કે, હિમાંશી હાલ કોલેજમા અભ્યાસની સાથે સ્કૂલમાં નોકરી કરે છે. છેલ્લાં 5 વર્ષથી તે આર્ટ એન્ડ ક્રાફ્ટની મદદથી અવનવા સર્જન કરી રહી છે. હિમાંશીએ અગાઉ સોમેશ્વર મહાદેવ મંદિરમાં રામ ભગવાન તો પરશુરામ મંદિરે ભગવાન પરશુરામની 21 ફૂટની રંગોળી નિર્માણ કર્યું હતું. હિમાંશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અદભૂત સ્કેચ પણ તૈયાર કર્યુ છે. હિમાંશીનું આર્ટ એન્ડ ક્રાફ્ટ ગેલેરીના નિર્માણનું સ્વપ્ન છે. જે માટે હાલ તે ખૂબ જ મહેનત કરી રહી છે.