પતિની 25 લાખની વીમા પોલિસી અને જમીન મુદ્દે ભાઈની મદદથી પત્નીએ પતિને મોતને ઘાટ ઉતાર્યો
જુનાગઢના કુખ્યાત શખ્સે રૂપિયા 25 લાખ અને સાત વીઘા જમીન મેળવવા બનેવી અને ડ્રાઇવરની હત્યા કરી હતી. બનેવીનો વીમો પકવવા અને જમીન સીધી લીટીના વારસદાર બનવા માટે હત્યા કરી હતી. સાથો સાથ કોઈ સાક્ષી ન રહે અને પુરાવાનો નાશ થાય તે માટે સાથે રહેલા ડ્રાઇવરની પણ હત્યા કરી નાખી હતી. આરોપીએ ટેક્સી ભાડે રાખીને પોતાની બહેન અને બનેવીને લઇને ચોટીલા લઇ ગયો હતો. ત્યારબાદ પરત ફરતી વખતે પોતાની બહેનને રસ્તામાં ઉતારી દીધી હતી.
જો કે આરોપીએ તેના બનેવી અને ડ્રાઇવરને કેફી પદાર્થ પીવડાવીને કાર 20 ફુટ પાણી ભરેલા ઉંડા વોકળામાં ધકેલી દીધી હતી. જ્યાં બંનેના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.પોલીસે સીસીટીવી ફુટેજ આધારે તપાસ હાથ ધરી હતી. જો કે આરોપીએ હત્યાને અકસ્માતમા ખપાવવાના બનાવનો પોલીસે પર્દાફાશ કર્યો હતો.