હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતભરમાં અષાઢ મહિનામાં ભારે વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતભરમાં અષાઢ મહિનામાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. જો છેલ્લા 24 કલાકના વરસાદની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. જેના પગલે નવસારીમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે.
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે જિલ્લાની નદીઓ બે કાંઠે વહી રહી છે. જેમાં પૂર્ણા, અંબિકા, કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે. અંબિકા નદી 23 ફૂટ થયુ છે. જેના કારણે નદીના આસપાસના વિસ્તારમાં આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.રાજ્યના અન્ય જિલ્લાઓમાં આજે ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.દક્ષિણ ગુજરાતમાં ઓફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 230 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ નવસારીના વાંસદામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. ડાંગના વઘઈમાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. કપરાડામાં પોણા 6 ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ ડોલવણ અને ધરમપુરમાં પોણા 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત આહવા અને ખેરગામમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે. 13 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદના કારણે બીલીમોરાના બંદર રોડ વિસ્તારમાં પાણી ભરાયા છે. દેગામ વાળાની ચાલના ઘરોમાં પણ પાણી ઘુસ્યા છે. પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. તંત્રએ આસપાસના ગામના લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતની પાર, પૂર્ણા, અંબિકા, કાવેરી, મીંઢોળા, ઔરંગા અને દમણગંગા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે નવસારી અને વલસાડ જિલ્લાના આસપાસના વિસ્તારોને એલર્ટ કરાયા છે.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. વિજયનગરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ખેડબ્રહ્મા અને વડાલીમાં બે-બે ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ઈડરમાં પોણા બે ઈંચ, હિંમતનગરમાં સવા ઈંચ, પ્રાંતિજ અને પોશીનામાં એક-એક ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ રાત્રી દરમિયાન અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે અને અરવલ્લી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં સૌથી વધારે ભિલોડામાં બે ઈંચ વરસાદ વરસ્યો છે. બાયડમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે. મોડાસામાં દોઢ ઈંચ, મેઘરજમાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો છે. જો કે વરસાદી પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે. જ્યારે સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
Tags Gujarat heavy rains