હાથરસ મુદ્દે હાથ ખંખેર્યા, કહ્યું- જે કેસમાં તપાસ ચાલતી હોય એમાં બોલવું અયોગ્ય, આ ઘટનાના મુદ્દે રાજકારણ ન થવું જોઈએ

ગુજરાત
ગુજરાત

દેશભરમાં ઉત્તરપ્રદેશના હાથરસમાં બનેલી ઘટના અંગે કેન્દ્રનાં મહિલા અને બાળવિકાસમંત્રી સ્મૃતિ ઈરાનીએ ગાંધીનગર ખાતે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે હાથરસમાં જે ઘટના બની છે એ નિંદનીય છે. આ ઘટનામાં યોગીસરકારે CBI તપાસના આદેશ આપ્યા છે અને SITની રચના કરવામાં આવી છે. આ પ્રકારની ઘટનામાં રાજકારણ થવું ન જોઈએ. આ કેસમાં તપાસ ચાલી રહી છે અને સરકારના એક મંત્રી હોવાને કારણે આ બાબતે કંઈપણ બોલવું અયોગ્ય છે. SITના રિપોર્ટના આધારે જે પણ અધિકારી જવાબદાર હશે તેની સામે પગલાં ભરવામાં આવશે.

ગાંધીનગરમાં કમલમ ખાતે પત્રકાર પરિષદમાં જ્યારે હાથરસ મુદ્દે સવાલ કરવામાં આવ્યો ત્યારે સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું કે, યુપી સરકાર આ મુદ્દે સીબીઆઈને તપાસનો આદેશ કરી ચૂકી છે, સીબીઆઇ તેમા તપાસ કરી રહી છે. હવે સીબીઆઈની તપાસ ચાલી રહી છે ત્યારે હું સરકારનું પ્રતિનિધિત્વ કરી રહી હોવાથી આ મુદ્દે કોઇપણ નિવેદન કરીશ તો એ બેજવાબદાર ગણાશે. આ મદ્દે સૌથી પહેલા સીબીઆઇને તેનું નિવેદન કરવા દો.

તેમણે વધુમાં કહ્યું કે, હું મહિલા અને બાળવિકાસ મંત્રાલયની મંત્રી છું કાયદો અને વ્યવસ્થા જોવાનું કામ મારું નથી. પણ મારા કાર્યક્ષેત્રમાં રાષ્ટ્રીય મહિલા પંચ આવે છે, જે અત્યારે દેશમાં મહિલાઓ અત્યાચારને લગતા 7 હજારથી વધુ કેસમાં સક્રીય પણે કાર્યરત છે. મે આ મામલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાથે અંગત રીતે વાત કરી છે, અને તેમણે મને આશ્વાસન આપ્યું છેકે આ મુદ્દે કોઇ શેહ શરમ નહીં ચલાવાય અને હાથરસ કાંડના ગુનેગારોને આકરામાં આકરી સજા કરવામાં આવશે.

રાષ્ટ્રિય મહિલા પંચ પાસે મે આ ઘટના અંગે તપાસનો રિપોર્ટ માગ્યો છે ગમે તે ઘડીએ મારી સમક્ષ એ રિપોર્ટ આવી જશે અને એ રિપોર્ટ આવ્યા પછી જ હું આ મામલે કાંઇપણ ટીપ્પણી કરી શકીશ. મે મુખ્યમંત્રી સાથે જ્યારે હાથરસ પીડિતાને કઇ રીતે ન્યાય મળશે એ અંગે પ્રશ્ન કર્યો ત્યારે તેમણે મને જણાવ્યું છેકે SITના રિપોર્ટ બાદ આમાં જે પણ જવાબદાર હશે પછી એ અધિકારી હશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

2012માં દિલ્હીમાં બનેલા નિર્ભયાકાંડ બાદ ભાજપ દ્વારા પ્રચંડ વિરોધ કરાયો હતો. એ સમયની યુપીએ સરકાર અને તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ સામે સવાલો ખડા કર્યા હતા. એ સમયે ભાજપનાં નેતા સ્મૃતિ ઈરાનીએ મહિલાઓની સુરક્ષા કરવામાં સરકાર નિષ્ફળ હોવાનું કહી તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહને બંગડીઓ મોકલી હતી. આજે જ્યારે યુપીમાં અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે ત્યારે હાથરસમાં બનેલી ઘટના અંગે સવાલો કરવામાં આવી રહ્યા છે ત્યારે કેન્દ્રીય મહિલા અને બાળકલ્યાણમંત્રી સ્મૃતિ ઈરાની આ પ્રકારની ઘટના અંગે રાજકારણ ન થવું જોઈએ એમ કહી રહ્યાં છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.