હાથરસનો ગુજરાતમાં વિરોધ,કોંગ્રેસની પ્રતિકાર રેલીને પોલીસે અટકાવી,65 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત

ગુજરાત
ગુજરાત

ઉત્તરપ્રદેશના હાથરસમાં દલિત યુવતી પર થયેલા ગેંગરેપની ઘટનાનો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા ઘટનાના વિરોધમાં અમદાવાદમાં પ્રતિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. હજી સુધી કોંગ્રેસની આ રેલીને મંજૂરી મળી નથી. રેલીમાં જોડાવા માટે કોંગ્રેસના કાર્યકરોનો કોંગ્રેસ ઓફિસ પર જમાવડો થઈ રહ્યો છે. ટ્રાફિક- પોલીસે આ રેલીને લઈને કોચરબ આશ્રમથી સાબરમતી આશ્રમ સુધીનો રોડ બપોરે 12થી સાંજે 7 વાગ્યા સુધી બંધ કરી દીધો છે અને વાહનવ્યવહાર માટે નવા બે વૈકલ્પિક રસ્તાની જાહેરાત કરી છે. બીજી તરફ, રેલીમાં ભાગ લેવા પહોંચેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત 65 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આ રેલીમાં ભાગ લેવા આવે એ પહેલાં જ તેમના નિવાસસ્થાનેથી તેની અટકાયત કરવામાં આવી છે. એ ઉપરાંત કોંગ્રેસના 4 મહિલા કાર્યકર સહિત ધારાસભ્ય શૈલેશ પરમારની પણ અટકાયત કરવામાં આવી છે તેમજ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને નજરકેદ કરવામાં આવ્યા છે. તે ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખ તથા નૌશાદ સોલંકીની પણ અટકાયત કરવામાં આવી હતી.

કોંગ્રેસની પ્રતિકાર રેલીને હજી સુધી મંજૂરી મળી નથી. એક તરફ, કોચરબ આશ્રમની બાજુમાં જ કોંગ્રેસ ભવન હોવાથી અમદાવાદ બહારથી આવનારા કોંગ્રેસના કાર્યકરો પોલીસથી બચી અને ખૂણેખાંચરેથી સંતાઈને ત્યાં પહોંચી રહ્યા હોવાની જાણકારી મળી છે. હાલમાં કોંગ્રેસ ભવન પર કાર્યકરોનો જમાવડો હોવાથી ત્યાં પણ માહોલ ગરમ થઈ રહ્યો છે. આ રેલી બાબતે સેક્ટર-1 જેસીપી રાજેન્દ્ર અસારીએ જણાવ્યું છે કે આ રેલીને કોઈ મંજૂરી અપાઈ નથી.

તમામ જગ્યાઓ પર પોલીસનો પૂરતો બંદોબસ્ત રહેશે તેમજ રેલીને મંજૂરી નહીં હોવાથી પોલીસ અટકાયત પણ કરશે. તેમણે વધુમાં કહ્યું હતું કે વર્તમાન સમયમાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યા હોવાથી રેલીમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહેવાની કોઈ શક્યતા ન હોવાથી મંજૂરી આપવામાં આવી નથી. પ્રતિકાર રેલી ના યોજાય એ માટે બંદોબસ્તમાં 3 ડીસીપી અને સેક્ટર 1ના તમામ પીઆઈ તથા પીએસઆઈને એલર્ટ કરી દેવાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.