ખેડામાં પથ્થરમારા મામલે હર્ષ સંઘવીએ અસામાજિક તત્વોને આપી ચેતવણી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાત રાજ્ય લૉ એન્ડ ઓર્ડરની દ્રષ્ટિએ દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય તરીકે ઓળખાય છે, ત્યારે ગુજરાતમાં આપણે જોયું છે કે તમામ સમાજના લોકો એક થઈને એકબીજાના તહેવારો ઉજવતા હોય છે, પરંતુ ખાસ કરીને આ પ્રકારના ધાર્મિક તહેવારો દરમિયાન કેટલાક લોકો એકબીજાના ધાર્મિક તહેવારોમાં કયા પ્રકારે અડચણ ઉભી થાય એવા પ્રયાસો કરતા હોય છે. પરંતુ મોટા ભાગે ગુજરાતમાં આપણે જોયું છે કે, ગણપતિ ઉત્સવ હોય કે નવરાત્રી હોય, ઈદ હોય કે તાજીયા હોય તમામ લોકો એકસાથે જ તહેવાર મનવાતા હોય છે.
તેમણે જણાવ્યું કે, જે પ્રકારે ખેડાના દ્રશ્યો આપણે જોયા નવરાત્રીનો તહેવાર શાંતિથી ઉજવાઈ રહ્યો છે, મંદિર પર માતાજીના ભક્તો ગરબે રમી રહ્યા છે. ત્યારે કોઈ સમાજ દ્વારા નહીં પરંતુ ગામની અસામાજિક ટોળકી દ્વારા ગામની શાંતિ ભંગ કરવાનો ચોક્કસ પ્રયત્ન કરવામાં આવ્યો. તેમણે અસામાજિક તત્વોને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું કે, ‘હું એવું માનું છું કે ગુજરાતમાં જે લોકો કાયદામાં રહેશે એ જ ફાયદામાં રહેશે.’
અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લાના માતરના ઉંઢેરા ગામમાં નવરાત્રીના પર્વમાં વિધર્મી આરોપીઓએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. ગરબા રમી રહેલા ખેલૈયાઓ પર અંદાજિત 150 લોકોના ટોળાંએ પથ્થરમારો કરતા 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને લઇને લઈ સ્થિતિ ન વણસે એ માટે આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું હતું. જે અંગેની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે મુદ્દાની ગંભીરતાને ધ્યાને લઇને 10થી 11 લોકોની અટકાયત કરી લીધી હતી.
પથ્થરમારાની આ ઘટનામાં પોલીસે 43 લોકો વિરુદ્ધ નામ જોગ ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ જ્યારે 10થી 11 લોકોની અટકાયત કરીને આરોપીને ઉંઢેરા ગામે લવાયા હતા. જ્યાં પોલીસે પથ્થરમારો કરનારા આરોપીઓને જાહેરમાં કાયદાના પાઠ ભણાવ્યા હતા. ખેડા LCBના PIની સહિતના પોલીસ અધિકારીઓની હાજરીમા પોલીસે આકરી કાર્યવાહી કરી જાહેરમાં લોકો પાસે માફી મંગાવી હતી. તો બીજી તરફ પોલીસની આકરી કાર્યવાહીને લઇને ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો અને લોકોએ તાળીઓ પાડી પોલીસની કામગીરીને બિરદાવી હતી.