પાવાગઢનાં માતાનાં શકિતપીઠ પોણો લાખ માઇ ભકતો દર્શન કરવા ઉમટયાં
સુપ્રસિધ્ધ યાત્રાધામ અને શકિતપીઠ પાવગઢ ખાતે જગતજનની માં કાલિકાના દર્શન કરવા પોણો લાખ માઇ ભકતો ઉમટી પડયા હતા. માતાજીના ભકતો માતાજીના ચરણમાં શીશ ઝુકાવી ધન્ય બન્યા હતા. ભકતોએ માતાજીના દર્શનની સાથે આઠમના હવનના દર્શનનો લાભ લીધો હતો. હવન બાદ ભકતોએ મંદિર પરિસરમાં ગરબની રમઝટ જમાવી હતી. પ્રતિવર્ષની સરખામણીમાં આજે ભકતોની હાજરી ઓછી જોવા મળી હતી.
માતાજીના દર્શનાર્થે ગુરુવારની મધ્યરાત્રીથી ભકતો મોટી સંખ્યામાં પાવાગઢનો જોડતા તમામ માર્ગો પર ઉમટી પડયા હતા. ચારેકોર પગપાળા યાત્રાળુઓ ‘જય માતાજી’નો જયઘોષ સંભળાતો હતો. મધ્યરાત્રીથી મંદિર પરસર તેમજ મંદિરના પગથિયા પર ભકતોની ભીડ નિજ મંદિરના દ્વાર ખુલે તેની પ્રતિક્ષામાં ઉભેલી જોવા મળી હતી. નિજ મંદિરના દ્વાર વહેલી સવારે ચાર કલાકે માતાજીના દર્શનાર્થે ખુલ્લા મુકતા જય માતાજીના જયઘોષથી મંદિર સરસર ગુંજી ઉઠયું હતું. એસટી નિગમ દ્વારા યાત્રિકોને પાવાગઢ ડુંગર ઉપર લઇ જવા માટે ૫૩ થી વધુ બસો અવિરત દોડાવી હતી.
હાલમાં સામાન્ય ભકતો નિજ મંદિરના શિખર પર ધ્વજારોહણનો લાભ લઇ શકે છે. પાદુકા પૂજન, શ્રી યંત્ર પૂજન તેમજ અન્નકૂટ ધરવાનો લહાવો લઇ શકે છે. ચાલુ વર્ષથી રજત તુલા પણ ભકતો માટે શરુ કરવામાં આવી છે. તેવીજ રીતે આવનાર નવરાત્રીમાં સામાન્ય ભકતોને પણ યજમાની કરવાનો લાભ આપવો જોઇએ.
Tags devotees Pavagadh Shakitpeeth