ગુજરાત : રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૪૦૮૨, રાજ્યમાં ૪ મેથી ત્રણ તબક્કામાં લોકડાઉનમાં રાહત મળી શકે છે
ગાંધીનગર. રાજ્યમાં કોરોનાના ૩૦૮ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને ૧૬ દર્દીના મોત થયા છે. જ્યારે ૯૩ દર્દી સાજા થયા છે. આ સાથે અત્યારસુધીમાં રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી ૪૦૮૨ અને મૃત્યુઆંક ૧૯૭એ પહોંચ્યો છે. તેમજ ૫૨૭ દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ ગુજરાતમાં એક જ દિવસમાં બીજીવાર કોરોનાના ૩૦૦થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ પહેલા ૧૯ એપ્રિલે ૩૦૦થી વધુ કેસ નોંધાયા હતા. ૩ મેએ લોકડાઉનનો બીજો તબક્કો પૂર્ણ થઇ રહ્યો છે. તેવામાં જો કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન લંબાવવાની જાહેરાત કરવામાં નહીં આવે તો રાજ્યમાં ૪ મેથી ત્રણ તબક્કામાં લોકડાઉનમાં રાહત મળી શકે છે. જેમાં તમામ ગ્રીન ઝોન સંપૂર્ણ ખોલવામાં આવી શકે છે. ઓરેન્જ ઝોનમાં અમુક છૂટછાટ આપવામાં આવશે જ્યારે રેડ ઝોનને સંપૂર્ણ બંધ રાખવામાં આવી શકે છે.
કુલ કેસોમાં મહારાષ્ટ્ર, ગુજરાતનો સૌથી મોટો હિસ્સો છે. દેશના કુલ કેસોમાં મહારાષ્ટ્રનો હિસ્સો ૧૫.૮૫%, ગુજરાતનો ૧૨.૭૨% અને દિલ્હીનો ૧૨.૬૨% છે. સૌથી વધુ કેસ ૩ શહેરોમાં છે. મુંબઈમાં ૧૧.૬૨ %, અમદાવાદમાં ૯.૪૩%, દિલ્હીમાં ૧૨.૬૨ % છે. મધ્ય પ્રદેશનો હિસ્સો ૫.૮૭ % અને રાજસ્થાનનો ૫.૦૭ % છે.
લાંબી મથામણ બાદ આખરે ગુજરાત સરકારે રેપિડ કીટથી ટેસ્ટિંગ બંધ કર્યું છે. રાજ્યમાં ૮૯૦૦ જેટલા ટેસ્ટિંગ કર્યા બાદ રેપીડ ટેસ્ટ કીટનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો છે. ચીનથી મંગાવવામાં આવેલી કીટથી મોટાભાગના દર્દીઓના ટેસ્ટ નેગેટિવ આવતા હતા. અનિર્ણાયક પરિણામો મળતા હોવાથી કેન્દ્ર સરકારે આ ટેસ્ટિંગ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. નોંધનીય છેકે, ગુજરાતના અનેક જિલ્લાઓમાં રેપીડ કીટથી ટેસ્ટ કરવામાં આવ્યા છે અને એ જિલ્લાઓને કોરોના ફ્રી જાહેર કરવામાં આવ્યા હતા. જેના કારણે સરકાર અને આરોગ્ય વિભાગ દ્વિધામાં મુકાયા છે.