ગુજરાત સરકારે ગુનેગારો સામે ઝીરો ટોલરન્સથી પગલાં લેવા પોલીસને ફ્રી હેન્ડ આપ્યો છેઃ મુખ્યમંત્રી

ગુજરાત
ગુજરાત

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સામાન્ય માનવીને ન્યાય મળે, છેવાડાનો માનવી પણ નિર્ભયતાથી જીવે અને વિકાસ કરે એવી ભાવનાથી રાજ્યના પોલીસતંત્રને સમાજવિરોધી તત્ત્વો, ગુંડાઓ, ચેન-સ્નેચર્સ, દારૂ જેવી ગેરકાયદે પ્રવૃત્તિ કે ગૌવંશ હત્યા કરનારાઓ સામે ઝીરો ટોલરન્સથી પગલાં લેવા ફ્રી હેન્ડ આપ્યો હોવાનો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે સાઇબર ક્રાઇમ નિયંત્રણ, ઇન્ટર્નલ સિક્યોરિટી, આતંકવાદવિરોધી દળ વગેરેથી પોલીસદળને છેલ્લાં 4 વર્ષમાં સુસજ્જ કરી પ્રજા જીવનમાં શાંતિ, સલામતી, સુરક્ષિતતાનો કોલ આપણે સૌએ સાથે મળીને આપ્યો છે. રાજ્યની વિકાસયાત્રાને શાંતિ-સલામતી સાથે સોળે કળાએ ખીલવવી છે.

મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્ય અનામત પોલીસદળ એસ.આર.પી ગ્રુપ-13 ઘંટેશ્વર રાજકોટમાં રૂ. 2.52 કરોડના ખર્ચે નિર્માણ થયેલા આાર્મ્સ-એમ્યુનેશન બિલ્ડિંગ, કંપની સ્ટોર તથા કિચન બ્લોક વગેરેના ઇ લોકાર્પણ-ખાતમુહૂર્ત ગાંધીનગરથી વિડિયો-કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યાં હતાં. મુખ્યમંત્રીએ પોલીસ સેવા અન્ય વિભાગો કરતાં વિશિષ્ટ અને જુદી છે, એનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે દિવસ-રાત સતત ખડેપગે કામ તેમજ પ્રજાના જાન-માલ, કાયદો વ્યવસ્થાની જાળવણી કરતા આ કર્મીઓને સ્ટ્રેસફુલ લાઇફ –તનાવમુકત જીવન માટે તેમને સગવડતાભર્યાં મોકળાશવાળા 2 BHK આવાસો, નવાં અદ્યતન પોલીસ મથકો અને ટેકનોલોજીના સુમેળ સાથેની સેવાઓના અનેક પ્રકલ્પો આપણે સાકાર કર્યા છે.

ગુજરાત પોલીસ આવાસ નિગમ દર વર્ષે આવાં 10 હજાર જેટલાં આવાસો બનાવે છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું. વિજય રૂપાણીએ સુદૃઢ કાયદો વ્યવસ્થાને વિકાસની પૂર્વશરત ગણાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે ભૂતકાળમાં કાયદો વ્યવસ્થાના નામે ગુજરાતની હાલત કથળેલી હતી. રાજ્યના વિસ્તારો નામચીન તત્ત્વોના નામે ઓળખાતા હતા. આપણે હવે ગાંધી-સરદાર-નરેન્દ્ર મોદીના ગુજરાતમાં કાયદો વ્યવસ્થા સંગીન બનાવી લોકોને સુરક્ષા-સલામતીનો અહેસાસ આપ્યો છે એમ તેમણે ઉમેર્યું હતું. આપણે કાયદાઓ કડક બનાવવા સાથે તેમાં સુધારાઓ પણ કરતા જઇએ છીએ. ગૂંડાતત્ત્વો, પ્રજાને રંજાડનારા લોકો, ગૌવંશ હત્યા કરનારા, ચેન-સ્નેચિંગ જેવાં કૃત્યો કરનારા છૂટી ન જાય, તેમને કડકમાં કડક સજા થાય તેવી નેમ સાથે શાંત, સુરક્ષિત, સમૃદ્ધ ગુજરાતના મંત્રથી કાર્યરત છીએ.

વિજય રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે ભૂતકાળમાં કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિને કારણે લોકો પોતાના ધંધા-વ્યવસાયનો વિસ્તાર વધારવા ઇચ્છતા ન હતા. મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઇએ ગુજરાતમાં શાંતિ-સલામતી એવી સુદૃઢ બનાવી કે ગુજરાત હુલ્લડમુક્ત બન્યું, ભાઇચારા-સદભાવનાની ભાવનાથી અપિઝમેન્ટ ટુ નન જસ્ટિસ ટુ ઓલ સાથે ગુજરાત પોલીસની પ્રતિષ્ઠાએ દેશમાં આગવી ઇમેજ ઊભી કરી છે. આપણે સુરક્ષા-સેવા કર્મીઓને ઉત્તરોત્તર વધુ ઇન્ફ્રાસ્ટ્રકચર-સુવિધાઓ આપીને પોલીસદળનું મનોબળ વધાર્યું છે. તેમણે રાજ્યમાં ભાવિ પેઢીનાં સુખ-સમૃદ્ધિ શાંતિ-સુરક્ષા માટે પોલીસદળ ઉત્કૃષ્ટ દાયિત્વ-જવાબદારી નિભાવશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.