ગુજરાતમાં કુલ ૯૫૯૨ દર્દી અને ૫૮૬ મૃત્યુ, એક્ટિવ દર્દીઓની સંખ્યામાં ગુજરાત દેશમાં ચોથા અને રિકવરી રેટમાં ૧૧માં સ્થાને
અમદાવાદ : ગુજરાતમાં હાલ સાજા થઇને જઇ રહેલાં દર્દીઓની સંખ્યા વધી રહી છે તેથી સરેરાશ રિકવરી રેટ ખૂબ ઊંચો આવ્યો છે. કુલ કેસ ૯,૫૯૨ અને મૃત્યુઆંક ૫૮૬ થઈ ગયો છે. તો કુલ ૩,૭૫૩ ડિસ્ચાર્જને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં સતત ૧૬માં દિવસે ૩૦૦થી વધુ અને અમદાવાદ શહેરમાં ૨૫૦થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્માં કુલ નવા ૩૨૪ કેસ નોંધાતા કુલ આંકડો ૯,૫૯૨ પર પહોંચ્યો છે. પરંતુ તામિલનાડુમાં પણ હાલ પોઝિટિવ કેસની સંખ્યા વધતાં હવે સમગ્ર દેશમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દી ધરાવતા રાજ્યોની સ્થિતિએ ગુજરાત હવે બીજેથી ખસીને ત્રીજે આવ્યું છે. જ્યારે એક્ટિવ દર્દીઓની સંખ્યા જોઇએ તો હાલ ગુજરાત સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ અને દિલ્હી બાદ ચોથા ક્રમે છે. ગુજરાતનો રિકવરી રેટ ૩૮.૪૩ ટકા છે જે દેશમાં અગિયારમાં સ્થાને છે. ગુરુવારે રાજ્યમાં કુલ ૧૯૧ લોકોને ડિસ્ચાર્જ અપાયા અને અત્યાર સુધીમાં તે આંક ૩,૭૫૩ થયો છે.