ગોપાલ ઈટાલીયાના વાયરલ વીડિયો મામલે ગોરધન ઝડફિયા અને યજ્ઞેશ દવેએ પત્રકાર પરિષદ યોજી આકરા પ્રહારો
ગુજરાત વિધાનસભાની ચુંટણીના ગાજતા માહોલ વચ્ચે AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાનો વીડિયો વાયરલ થતા ભારે ચર્ચા જાગી છે. આ વિડીયોમાં ગોપાલ ઈટાલીયા PM મોદી વિરુદ્ધ અશોભનીય ભાષાનો ઉપયોગ કરતાં હોવાનું સામે આવ્યું છે. જે વીડિયોને લઈ ભાજપે AAP પર આકરા પ્રહાર પણ કર્યા હતા. ગોપાલ ઈટાલીયાએ PM પદની ગરિમા ન જાળવી હોવાનું જણાવાયું હતું.
વધુમાં આ મામલે ભાજપ આગેવાન ગોરધન ઝડફિયા અને યજ્ઞેશ દવેએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ભાજપ નેતા ગોરધન ઝડફિયાએ ગોપાલ ઈટાલિયા પર પ્રહાર કરતાં જણાવ્યું કે, ગોપાલ ઈટાલિયાએ PM પદની ગરિમાને લાંછન લગાવતા શબ્દો વાપર્યા છે. પ્રધાનમંત્રી કોઈ એક પક્ષના નહી પરંતુ આખા દેશના હોય છે. તેમના આ શબ્દોથી AAPની માનસિકતા છતી થઈ છે. વધુમાં અરવિંદ કેજરીવાલે આ મામલે કાર્યવાહી કરવાની જોઇએ તેમ પણ ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું.
આ ઉપરાંત તેમણે ઉમેર્યું કે ગોપાલ ઈટાલિયાને બચાવવા માટે AAPના નેતાઓ પત્રકાર પરિષદ કરે છે. દેવી દેવતાઓના અપમાન સમયે AAPમાં કોઈ બોલવા તૈયાર ન થયું હતું. AAPના અનેક નેતાઓ ગેરકાયદે સંપત્તિ મામલે જેલમાં બંધ છે. AAPના નેતાઓ જેલમાં છે તે મુદ્દે કેજરીવાલ જવાબ આપે તેવી માંગ ઉઠાવી હતી.