વડોદરાના ભાયલીમાં સગીરા પર ગેંગરેપ કેસ : પીડિતાનો મોબાઈલ તોડી વિશ્વામિત્રીમાં ફેંક્યો
પોલીસ અને આરોપીઓને સાથે રાખી 17 કિમી લાંબી નદીમાં ફાયરબ્રિગેડની ટીમે શોધખોળ હાથ ધરી: બીજા નોરતે વડોદરાના ભાયલીમાં સગીરા પર ગેંગરેપ કેસ નોંધાયો હતો. આ કેસમાં આરોપીઓ બે દિવસના રિમાન્ડ પર છે. પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીઓ આખી રાત ઊંઘ્યા નહોતા અને આખી રાત પડખા ફેરવ્યા હતા. ત્રણેય આરોપીઓને હાલ તાલુકા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.
જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આરોપીઓએ પીડિતાનો મોબાઈલ પથ્થરથી તોડી વડસર પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધો હતો. બુધવારે પોલીસ આરોપીઓને સાથે રાખી ફાયરબ્રિગેડની મદદ લઈ 17 કિમી લાંબી વિશ્વામિત્રી નદીમાં મોબાઈલ શોધવા પહોંચી છે. પાણી ડહોળું હોવાથી ફાયરબ્રિગેડની ટીમને મોબાઈલ શોધવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. પોલીસ કેમેરાથી અન્ડરવોટર સર્ચ કરી રહી છે.
આજે 9 ઓક્ટોબરે સવારે 11:20 વાગ્યે તાલુકા પોલીસની ટીમ આરોપીઓને લઈને વડસર વિશ્વામિત્રી નદી ખાતે આવવા નીકળી હતી, 11 અને 38 મિનિટે આરોપીને લઈને વિશ્વામિત્રી નદી પાસે તપાસ કરી હતી, બપોરે 12.15 વાગ્યે ફાયરબ્રિગેડની ટીમે અન્ડરવોટર કેમેરાની મદદથી વિશ્વામિત્રી નદીમાં મોબાઈલની શોધ શરૂ કરી હતી અને હાલ શોધખોળ ચાલુ છે.પોલીસે આરોપીએ જ્યાં પીડિતાનો મોબાઈલ પથ્થરથી તોડ્યો હતો તેની આસપાસ પથ્થર પણ આરોપીએ બતાવ્યા હતા. આરોપી શાહરૂખ સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે પથ્થરની પણ તપાસ કરી છે. ફાયર બ્રિગેડની ટીમે વિશ્વામિત્રી નદીમાં બોટ ઉતારી હતી. મગરની વચ્ચે ફાયરબ્રિગેડ મોબાઈલ શોધી રહી છે.