જામનગર કસ્ટમના સ્ટોરરૂમમાંથી 1.10 કરોડના સોનાની ચોરી

Business
Business

જામનગર કસ્ટમ કચેરીમાં જમા કરાવાયેલા કચ્છ કસ્ટમના સોના પૈકી બે કિલો 156 ગ્રામ સોનાની ચોરી થઇ હોવાની સીટી બી ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ભૂંકપમાં ક્ષતિગ્રસ્ત બનેલા કચ્છ ડિવિઝનના બિલ્ડીંગને લઇને સોનાની સલામતી માટે જામનગર લઇ આવવામાં આવેલા સોના પૈકી રૂા.1.10 કરોડની કિંમતનું સોનું ગાયબ થઇ જતા આ બનાવ પોલીસ દફતરે પહોંચ્યો છે. વર્ષ 2001થી 2016ના ગાળા દરમ્યાન જામનગર કસ્ટમના સ્ટોર રૂમમાં આ સોનું જુદા-જુદા પાંચ પાર્સલમાં જમા રાખવામાં આવ્યું હતું.

જો કે પાર્સલ ખોલ્યા બાદ સોનું ઓછુ નીકળીયું હોવાની કચ્છ કસ્ટમના પત્ર વ્યવહાર બાદ જામનગર કચેરી દ્વારા વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. કસ્ટમના જ કોઇ કર્મચારી દ્વારા હાથ સાફ કરવામાં આવ્યો હોવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે ત્યારે પોલીસ તપાસમાં સોનાની ચોરી અંગેની વિગતો બહાર આવવાની સંભાવના સેવાઇ રહી છે.

જામનગર કસ્ટમ કચેરીના ઇન્સ્પેકટર રામસિંગ યાદવ દ્વારા સીટી બી ડિવિઝન પોલીસ દફતરમાં ગાયબ થયેલા સોના અંગેની કસ્ટમના જ અજાણ્યા કર્મચારી સામે આશંકા દર્શાવાતી ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેની વિગત મુજબ કચ્છ કસ્ટમ ડિવિઝન દ્વારા વર્ષ 1982થી 1986 દરમ્યાન જુદી-જુદી કાર્યવાહીમાં સોનાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. ભુજ ખાતેના કસ્ટમ ડિવિઝનના સ્ટોર રૂમમાં સીલ કરાયેલા આ જથ્થાને વર્ષ 2001માં જામનગર ડિવિઝનમાં સ્થળાંતર કરવામાં આવ્યો હતો.

કારણ કે, જે-તે સમયે આવેલા ભૂકંપને લઇને કચ્છ ડિવિઝન ક્ષતિગ્રસ્ત બનતા આ કાર્યવાહી કરવામાં આવી હતી. જુદા-જુદા આઠ પાર્સલમાં સોના અને ચાંદીના જથ્થાને પ્લાસ્ટીકની સુટકેશમાં સીલ મારીને જામનગર કસ્ટમના સ્ટ્રોગ રૂમમાં મુકાયા હતા. દરમ્યાન કચ્છ કસ્ટમનું બિલ્ડીંગ તૈયાર થઇ જતા વર્ષ 2016માં જામનગર રાખવામાં આવેલ સોનાનો જથ્થો કચ્છ લઇ જવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. વર્ષ 2016માં કચ્છ અને જામનગર કચેરીના અધિકારીઓ અને પંચોની હાજરીમાં પાંચ પાર્સલ કચ્છ કસ્ટમને સોંપવામાં આવ્યા હતા. આ કાર્યવાહીના 10 દિવસ બાદ એટલે કે તા.28-10-2016ના રોજ કચ્છ કસ્ટમ દ્વારા જામનગર કસ્ટમને જાણ કરવામાં આવી હતી કે, જે પાર્સલ મોકલવામાં આવ્યા છે તેમાંથી બે કિલો,156 ગ્રામ સોનાનો જથ્થો ઓછો છે.

દરમ્યાન છેલ્લા ચાર વર્ષ સુધી આ બાબતે બન્ને ડિવિઝન દ્વારા સોનાના ગાયબ થયેલા જથ્થા અંગે પત્ર વ્યવહાર ચાલતો રહ્યો હતો. ત્યારબાદ અમદાવાદ ચીફ કમિશ્ર્નર કચેરી દ્વારા આ બાબતે વિધિવત ફરિયાદ દાખલ કરવા જામનગર કમિશ્ર્નર કચેરીને આદેશ કરવામાં આવ્યો હતો. જેને લઇને ગઇકાલે જામનગર કસ્ટમના ઇન્પેકટર યાદવ દ્વારા સીટી બી ડિવિઝન પોલીસ દફતરમાં આઇપીસી કલમ 409 મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને લઇને સીટી બી ડિવિઝનના પીઆઇ કે.એલ.ગાધે સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.