અમદાવાદમાં ખોટા દસ્તાવેજોના આધારે ત્રીસ વર્ષથી રહેતાં ચાર બાંગ્લાદેશીઓ પકડાયા
અમદાવાદઃ શહેરમાં આતંકી સંગઠન સાથે સંકળાયેલા બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા હતાં. ત્યાર બાદ શહેરમાં પાસપોર્ટ અને વિઝા વિના રહેતાં બાંગ્લાદેશીઓને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી. જેને આધારે ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાંચે શહેરમાંથી પાસપોર્ટ અને વિઝા વિના ખોટા દસ્તાવેજો ઉભા કરીને છેલ્લા ત્રીસ વર્ષથી રહેતાં ચાર બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યાં છે. એસઓજી ક્રાઈમ બ્રાંચે વિઝા ઓવરસ્ટે હેઠળ શહેરમાં રહેતાં આઠ બાંગ્લાદેશીઓને પણ ઝડપી પાડ્યાં છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના કર્મચારીઓને બાતમી મળી હતી કે, ખોટા દસ્તાવેજો ઉભા કરીને ચાર બાંગ્લાદેશી નાગરિકો શહેરમાં વસી રહ્યાં છે. ત્યારે ક્રાઈમ બ્રાંચે બાતમી વાળી જગ્યાએથી વોચ ગોઠવી હતી. આ દરમિયાન મંજુરભાઈ શેખ, સઈદ શેખ, રાના નિગમ સરકાર અને સલમાન શેખને ઝડપ્યા હતાં. તેઓ આ નામોથી અમદાવાદમાં છેલ્લા ત્રીસેક વર્ષથી વસી રહ્યાં છે. આ ચારેય જણાએ લોકલ મળતિયાઓના આધારે ખોટા દસ્તાવેજો ઉભા કરીને આધારકાર્ડ, પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટ તૈયાર કરાવ્યા હતાં. તેમને ઘાટલોડિયામાં જનતાનગર ફાટક પાસેથી અટકાયત કરવામાં આવી હતી.
આ ચારેય જણાની પોલીસે જડતી લેતાં તેમની પાસેથી ડ્રાઈવિંગ લાયસન્સ, આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ અને પાનકાર્ડ જેવા દસ્તાવેજો મળી આવ્યા હતાં. તેમણે અહીંના સ્થાનિક મળતિયાઓ પાસેથી ખોટા દસ્તાવેજો ઉભા કરીને આ ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાનું જણાવ્યું હતું અને છેલ્લા ત્રીસ વર્ષથી ચંડોળા તળાવના છાપરામાં રહે છે અને ધૂપબત્તી ફેરવીને તથા છુટક મજુરી કરીને તેમનું ગુજરાન ચલાવે છે.
આ ચારેય આરોપીઓમાં મંજુર શેખ આજથી ત્રિસેક વર્ષ પહેલાં બાંગ્લાદેશથી સાતખીરા બોર્ડર થઈને ભારતમાં આવ્યો હતો અને છેલ્લા 30 વર્ષથી અમદાવાદમાં રહે છે. જ્યારે સઈદ યુનુસ ભુમરાહ બોર્ડરથી ભારત આવ્યો હતો અને છેલ્લા 15 વર્ષથી અમદાવાદમાં રહે છે. રાના નિગમ બાંગ્લાદેશથી અસમપુરા બોર્ડર થઈને ભારતમાં આવ્યો હતો અને અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસથી રહે છે. જ્યારે સલમાન શેખ સાતખીરા બોર્ડર થઈને ભારતમાં ઘૂસ્યો હતો અને છેલ્લા ચાર વર્ષથી અમદાવાદમાં રહે છે. પોલીસે ચારેય સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.