બનાસ ડેરીના ઇતિહાસમાં પ્રથમવાર બોર્ડ બિનહરીફ

ગુજરાત
ગુજરાત

સહકારી રાજકારણમાં શંકરભાઇ ચૌધરીનું નેતૃત્વ સર્વોપરી

એશિયાની નંબર વન અને બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોની જીવાદોરી ગણાતી બનાસ ડેરીની ચૂંટણીએ સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉત્તેજના જગાવી હતી. ભાજપના જ આગેવાનો વચ્ચેની આંતરિક ખેંચતાણ સપાટી ઉપર આવી જતા ચૂંટણી ચર્ચાના ચગડોળે ચડી હતી.પરંતુ રાજકીય, સહકારી અને સંગઠન ક્ષેત્રે પોતાની દીર્ઘદ્રષ્ટિ, કુશળતા અને પ્રજાભિમુખ અભિગમને લઈ શંકરભાઇ ચૌધરી રાજકીય અને સહકારી ક્ષેત્રે સર્વમાન્ય નેતા સાબિત થયા છે. તેમના કુશળ નેતૃત્વ હેઠળ બનાસ ડેરીએ અભૂતપૂર્વ વિકાસ કર્યો છે. જેનો ખેડૂતો અને પશુપાલકો જ નહીં, પણ વિરોધીઓ પણ સ્વીકાર કરે છે.

જેના કારણે ચૂંટણીના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ૧૬ માંથી ૯ બેઠક બિનહરીફ થતા વિરોધી છાવણીના વાવટા સંકેલાઈ ગયા હતા. કારણ વિરોધી પેનલને તેમની સામે ઊભા રાખવા ઉમેદવારો મળ્યા નહતા. તેથી ડેરીની ચૂંટણી બિનહરીફ બનવા તરફ અગ્રેસર થઈ હતી અને અપેક્ષા મુજબ બુધવારે ફોર્મ પરત ખેંચવાની મુદતે હાર ભાળી ગયેલા વિરોધીઓએ પણ મેદાન છોડી દેતા બનાસ ડેરીના ઇતિહાસમાં પ્રથમવાર ડેરીનું તમામ બોર્ડ બિનહરીફ થતા શંકરભાઇ ચૌધરીનું નેતૃત્વ સર્વોપરી સાબિત થવા સાથે તેમની યશકલગીમાં વધુ એક સુવર્ણ મોરપીંછ ઉમેરાયું હતું.

પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરીએ અગાઉ જિલ્લામાં આપણી બેંક બનાસ બેંક ગણાતી બનાસ બેંકના ચેરમેન પદે સતત ત્રણ વખત બિનહરીફ થઈ અને એકવખત આખું બોર્ડ બિનહરીફ કરવાનો અણનમ વિક્રમ સર્જ્યો હતો. એટલું જ નહીં, બનાસ ડેરીની ગત ટર્મમાં તેઓ ચેરમેન પદે બિનહરીફ થયા હતાં અને હવે ફરી આખું બોર્ડ બિનહરીફ કરાવી ડેરીના ઇતિહાસમાં નવો કીર્તિમાન રચી દીધો છે…!

સમગ્ર ઉત્તર ગુજરાતની રાજકીય અને સહકારી ક્ષેત્રની ગતિવિધિઓ પારખવામાં અગ્રેસર ‘રખેવાળ’ દૈનિકે ડેરીની ચૂંટણી પૂર્વે સહકારી આગેવાનોને પશુપાલકો અને ખેડૂતોના હિતમાં ચૂંટણી બિનહરીફ કરવા આહવાન કર્યું હતું જે મુજબ ડેરીની ચૂંટણી બિનહરીફ થતા ડેરીની વિકાસ કૂચ જળવાઈ રહેશે તેવો આશાવાદ અસ્થાને નહિ ગણાય.

બનાસ ડેરીના નિયામક મંડળના સભ્યો :-
1. રાધનપુર :- શંકરભાઈ ચૌધરી
2. સાંતલપુર :- રાધાભાઈ આહિર
3. કાંકરેજ :- અણદાભાઈ પટેલ
4 :- વડગામ :- દિનેશભાઈ ભટોળ
5. દાંતીવાડા :- પરથીભાઈ ચૌધરી
6. ધાનેરા :- જોઈતાભાઈ પટેલ
7. દિયોદર :- ઈશ્વરભાઈ પટેલ
8. ભાભર :- શામતાભાઈ પટેલ
9. વાવ :- રાયમલભાઈ ચૌધરી
10. થરાદ :- પરબતભાઈ પટેલ
11. દાંતા :- દિલીપસિંહ બારડ
12. અમીરગઢ :- ભાવાભાઈ રબારી
13. પાલનપુર :-ભરતભાઈ પટેલ
14. લાખણી :- ધુડાભાઈ પટેલ
15. સુઇગામ :- મુળજીભાઈ પટેલ
16. ડીસા :- રામજીભાઈ ગુંજોર


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.