વડોદરામાં સ્કૂલો-કોલેજોમાં પ્રથમ સત્રની ફી માફીની માંગ સાથે NSUIએ ચક્કાજામ કર્યો

ગુજરાત
ગુજરાત

સ્કૂલો અને કોલેજોના પ્રથમ સત્રની ફી માફ કરવી જોઇએ તેવી માંગણી સાથે આજે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા વડોદરા શહેરના દાંડિયાબજાર ચાર રસ્તા ખાતે ચક્કાજામ કર્યો હતો. પોલીસે NSUIના 10 કાર્યકરોની અટકાયત કરી હતી.

વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના કારણે સરકાર દ્વારા શૈક્ષણિક સંકુલો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે, ત્યારે શૈક્ષણિક સંકુલો દ્વારા હાલ વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે, ત્યારે શૈક્ષણિક સંકુલો દ્વારા ફીની માંગણી અને તે ભરવા માટે દબાણ કરતા હોવાના પણ કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને NSUI દ્વારા પ્રથમ સત્રની ફી માફીની માંગણીને લઇ છેલ્લા ઘણા સમયથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત શહેરના અકોટા-દાંડિયાબજાર ચારરસ્તા ખાતે આજે NSUI વડોદરા શહેર પ્રમુખ વ્રજ પટેલની આગેવાનીમાં પોસ્ટર સાથે દેખાવ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ચક્કાજામ કરવાની કોશિશ કરાતા રાવપુરા પોલીસ દ્વારા NSUIના હોદ્દેદારોને અટકાયત કરવામાં આવી હતી.

NSUI પ્રમુખ વ્રજ પટેલે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં અનેક લોકોએ નોકરી અને ધંધા ગુમાવી દીધા છે, તે લોકોની પોતાના સંતાનોની સ્કૂલ તેમજ કોલેજમાં ફી ભરવાની તાકાત રહી નથી. ફી તો ઠીક તેઓને પોતાના ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે, ત્યારે સ્કૂલ અને કોલેજ દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવાના બદલામાં ફી માટે પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે. હાઇકોર્ટે ફી મુદ્દે સરકારને નિર્ણય લેવા જણાવ્યું છે, પરંતુ, સરકાર નિર્ણય લેવા માટે સ્કૂલ સંચાલકોથી ડરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આજે રાજ્ય સરકારની સ્કૂલ ફી મુદ્દે મહત્વની બેઠક હતી, ત્યારે સરકાર ફી અંગે કોના તરફે નિર્ણય લેશે, તેના ઉપર સૌની મીટ મંડાયેલી છે. વાલી મંડળ દ્વારા પણ ફી માફ કરવા માટે લડત આપી રહ્યું છે. જ્યારે કોગ્રેસ દ્વારા ફી મુદ્દે રાજ્યવ્યાપી આદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે, ત્યારે કોગ્રેસની પાંખ NSUIએ આજે દેખાવો અને સૂત્રોચ્ચારો કર્યાં હતા. અને સ્કૂલો અને કોલેજોમાં ફી માફ કરવા માંગણી કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. પોલીસે જાહેરનામાના ભંગ બદલ NSUI પ્રમુખ વ્રજ પટેલ સહિત 10 કાર્યકરોની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.