સુરતમાં દ્વારકા હાઉસમાં આગથી બિલ્ડિંગ સ્ટ્રક્ચરને નુકસાન, સાડીઓના જથ્થામાં આગથી 3 કરોડથી વધુનું નુકસાન

ગુજરાત
ગુજરાત

શહેરના બેગમપુરા વિસ્તારમાં આવેલા દ્વારકા હાઉસ (તૈયાર કરેલો સાડીનો જથ્થો સંગ્રહ કરવાનું સ્થળ)માં મધરાત્રે અચાનક આગ ફાટી નીકળતાં ફાયર દોડતું થઈ ગયું હતું. આગ એટલી ઉગ્ર હતી કે બાજુના કાબરા હાઉસને પણ પોતાની લપેટમાં લઈ લેતાં પહેલા અને બીજા માળે સ્ટોરેજ કરાયેલો સાડીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં સાડીનો જથ્થો ભરેલા બે ટેમ્પો પણ આગની ઝપેટમાં આવ્યા બાદ સળગી ગયા હતા. આ આગમાં બે હાઉસના પાંચ માળ બળીને ખાખ થઈ ગયા છે. ફાયર ઓફિસરના જણાવ્યા પ્રમાણે, દ્વારકા અને કાબરા હાઉસમાં ફાયર સિસ્ટમ ન હોવાથી સીલ કરી દેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સાત ફાયર સ્ટેશનની 17 ગાડી ઘટનાસ્થળે પહોંચી ત્રણ માળમાં લાગેલી આગને 5 કલાકમાં જ ભારે જહેમત બાદ કાબૂમાં લેવામાં સફળ રહી હતી. જોકે આ આગમાં 3 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે અને દ્વારકા હાઉસના બિલ્ડિંગના સ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે.જ્યારે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

દીપકભાઇ (પૂઠાના વેપારી) એ જણાવ્યું હતું કે રાત્રે મારો માલ આવ્યો હતો, જેની ડિલિવરી લેતા હતા. અચાનક એક જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો, દોડીને ગયા તો દ્વારકા હાઉસમાંથી આગની જ્વાળાઓ બહાર આવી રહી હતી. તાત્કાલિક ફાયર અને વીજ કંપનીને ફોન કરીને જાણ કરી. ત્યાં સુધીમાં આગની જ્વાળાઓ પાર્કિગમાં પાર્ક સાડી ભરેલા બે ટેમ્પા પર પડતાં બન્ને ટેમ્પા મારી નજર સામે જ બળી ગયા હતા. ત્યાર બાદ ફાયર ગાડી આવે એ પહેલાં બાજુનું કાબરા હાઉસ આગની લપેટમાં આવી ગયું હતું. જોકે ગણતરીની મિનિટોમાં જ ફાયર ગાડી દોડી આવતાં ખૂબ જ મોટી દુર્ઘટના ટાળી શકાય હતી.

ફાયર વિભાગે જણાવ્યું હતું કે રવિવારની મધરાત્રે લગભગ સવાબે વાગ્યાના અરસામાં ફાયર વિભાગને કોલ મળ્યો હતો. બેગમપુરામાં ગ્રાઉન્ડ સાથેના 3 માળ ભડભડ સળગી રહ્યા હોવાની જાણ કરાઈ હતી. ઘટનાની જાણ બાદ ફાયર વિભાગના 7 ફાયર સ્ટેશનની 17 ગાડી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી, જ્યાં દ્વારકા હાઉસમાં ગ્રાઉન્ડ સાથે 3 માળ અને ટેરેસ ભડભડ સળગી રહ્યા હતા. આગ એટલી ઉગ્ર હતી કે તમામ ફાયરફાઇટરના જવાનોએ એકસાથે પાણીનો મારો ચલાવતા 5 કલાકે આગ કાબૂમાં આવી હતી.

વધુમાં ઉમેર્યું હતું કે દ્વારકા હાઉસની આગની લપેટમાં સાડી ભરેલા બે ટેમ્પા અને બાજુના કાબરા હાઉસના બે માળ પણ આવી ગયા હતા, જેને લઈ બન્ને હાઉસમાં અને ટેમ્પામાં મૂકેલો સાડીઓનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં 3 કરોડથી રૂપિયાનું નુકસાન થયું હોય એમ કહી શકાય છે.જોકે, આ આંકડો વધવાની શક્યતાઓ છે. આગને કાબૂમાં લીધા બાદ તપાસ કરતાં દ્વારકા હાઉસના બિલ્ડિંગ સ્ટ્રક્ચરને પણ ભારે નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે.

ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે, દ્વારકા હાઉસમાં 10 ફેબ્રુઆરીએ ફાયર સિસ્ટમ લગાડવા નોટિસ અપાઈ હતી. આગની દુર્ઘટના બાદ તપાસમાં કોઈ ફાયર સિસ્ટમ ન હોવાનું બહાર આવ્યું હતું. સાથે સાથે કાબરા હાઉસમાં પણ ફાયર સિસ્ટમ ન હતી. દાદર પર સાડીનો જથ્થો મૂકેલો હતો. બન્ને બિલ્ડિંગનો વપરાશ ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવાતો હતો. જેને લઈ બન્ને બિલ્ડિંગને સીલ મારી દેવાયા છે. તેમજ દ્વારકા હાઉસમાં પાલિકાના સ્ટ્રક્ચર ઈજનેરની તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.