સુરતમાં ઓક્સિજન સિલિન્ડરમાં બ્લાસ્ટ બાદ ગોડાઉનમાં આગ લાગી, એકનું મોત, 15ને રેસ્ક્યુ કર્યા

ગુજરાત
ગુજરાત

શહેરના ઉધના વિસ્તારમાં આવેલા પેરિસ પ્લાઝામાં અશોક ઓક્સિજન બોટલ સપ્લાયના ગોડાઉનમાં ઓક્સિજન સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. ફાયર વિભાગે આગને કાબૂમાં લેવાની સાથે ફસાયેલાને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં પહેલા માળે ફસાયેલા હાર્ડવેરની દુકાનમાંથી 15થી 20 જેટલાને રેસ્ક્યુ કર્યા હતા. દરમિયાન એકનો મૃતદેહ સિલિન્ડર નીચેથી મળી આવ્યો હતો. જ્યારે ચાર જેટલા ઈજાગ્રસ્ત થયેલાને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ આગ કાબૂમાં આવી ગઈ છે અને ફાયર વિભાગ દ્વારા ગોડાઉનમાંથી ઓક્સિજન સિલિન્ડર બહાર કાઢી લેવામાં આવ્યા છે.

ઉધના વિસ્તારમાં પેરિસ પ્લાઝામાં અશોક ઓક્સિજન બોટલ સપ્લાય નામની દુકાનનું ગોડાઉન આવેલું છે. બપોરે 12.30 કલાક આસપાસ ઓક્સિજન સિલિન્ડર ભરતી વેળા અચાનક બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતા ચાર ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આગ પર કાબૂ મેળવવાની સાથે પહેલા માળે હાર્ડવેરની દુકાનમાં ફસાયેલાઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં દુકાનમાંથી 15થી 20 જેટલાને રેસ્કયુ કરી બહાર કાઢ્યા હતા. ફાયર વિભાગે તપાસ હાથ ધરતા ગોડાઉનમાંથી 45 વર્ષીય મનોજ યાદવ નામના વ્યક્તિની સિલિન્ડર નીચેથી લાશ મળી આવી હતી. જ્યારે ગોડાઉન માલિક અજય શાહ સહિત ચાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

સંદીપ બીશ્વાસ (કપડાં વેપારી) એ જણાવ્યું હતું કે, બ્લાસ્ટનો જોરદાર અવાજ આવતા જ ઓફીસની બારી માંથી જોયું તો લગભગ 100 ફૂટ દૂર એક દુકાનમાં આગ લાગી હોવાનું દેખાયું હતું. જેથી તાત્કાલિક ફાયરને જાણ કરી દીધી હતી. ગણતરીની મિનિટોમાં જ ફાયર ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને આગને કાબૂમાં લઈ લીધી હતી. થોડી જ વારમાં અનેક લોકોની ભોડ ભેગી થઈ ગઈ હતી.

ક્રિષ્ના મોડ (ફાયર ઓફિસર)એ જણાવ્યું હતું કે, ગોડાઉનમાં 150થી વધુ ઓક્સિજન સિલિન્ડર હતા. હેવી પ્રેશરના કારણે આ બ્લાસ્ટ થયો હોય તેવી શક્યતાઓ રહેલી છે. આગની આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો.

ક્રિષ્ના મોડે વધુમાં જણાવ્યું હતું કે, આ આખા ગોડાઉનમાં ફાયર સેફ્ટીના સાધનો જોવા મળ્યા નથી. જેથી તેની તપાસ કરાશે. તેની પાસે લાયસન્સ હતું કે નહીં તે જાણ નથી. જોકે, તેની તપાસ અમારા અંડર આવતી નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.