સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં છેલ્લા બે દિવસથી વરસેલા વરસાદના કારણે ખેડૂતોની હાલત બની કફોડી
સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં છેલ્લા બે દિવસથી વરસેલા વરસાદના કારણે ખેડુતોની હાલત કફોડી બની ગઈ છે. મગફળી કે કપાસ તો ઠીક પણ ઘાસચારો પણ હાલ તો પશુઓને ખાવા લાયક નથી. જેને લઈને ખેડુતોને રોવાનો વારો આવ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના ખેડુતોની હાલની સ્થિતી દયનીય દેખાઈ રહી છે. કારણ કે બે દિવસ પહેલા પડેલા વરસાદના કારણે કપાસ, મગફળી, કઠોળ હોય કે શાકભાજી તમામ પાકોમાં ખેડુતોના હાલ બેહાલ છે. સાબરકાંઠાના તલોદ, પ્રાંતિજ, હિંમતનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વરસાદને લઈને ખેડુતોનો પાક પાણી પાણી થઈ ગયો. વાત કરીએ મગફળીની તો, મગફળીના દાણા અને મગફળી પલળી જવાથી કાળી પડી ગઈ છે. ઘાસચારો પણ બગડી ગયો છે. જેથી તે પશુ ઓ પણ ખાઈ શકે તેમ નથી અને તો માર્કેટમાં વેચવા જતા પણ યોગ્ય ભાવ મળી શકે તેમ નથી.
સાબરકાંઠા જીલ્લાના અનેક વિસ્તાર એવા છે કે જે વિસ્તારમાં કપાસ અને મગફળીમાં નુકશાન જોવા મળ્યુ છે. વાત કરીએ મગફળીની તો મગફળીમાંથી એક કણ પણ ખેડુતોને મળી શકે તેમ નથી. મગફળી બહારથી કાળી પડી ગઈ અને અંદરથી દાણા બગડી ગયા છે.. જ્યારે જે કપાસ ઉભો હતો તે સતત વરસાદને લઈને કાળો પડી ગયો તો ક્યાક સુકાઈ ગયો. તો જે કપાસમાં રૂ નીકળી આવ્યુ છે તે રૂ પલળી જવાથી કાળુ પડી ગયુ છે અને ઈયળોનો પણ ઉપદ્રવ વધી ગયો. જેથીખેડૂતોએ કપાસ માં પણ ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો. આ સિવાય ડાંગર અને મકાઈનો પાક પણ વાવાઝોડાને લઈને જમીનદોસ્ત થયો. પાછોતરા વરસાદે તો જાણે કે કહેર રૂપી વરસ્યો અને તમામ પાકો નષ્ટ કરી દીધા છે. ત્યારે સરકાર આ અંગે કંઈક વિચારે અને ખેડુતોને ફાયદો કરે તો ચોક્કસ ખેડુત ફરી પોતાના પગ પર બેઠો થઈ શકે તેમ છે.