નર્મદા જિલ્લામાં કેનાલ રીપેરીંગના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો ખેડુતોનો આક્ષેપ
નાંદોદ અને ગરુડેશ્વર વિસ્તારમાં કેનાલ રીપેરીંગમાં ભ્રષ્ટાચાર થયો હોવાની બુમો ઉઠી છે.અગાઉ ગરુડેશ્વરના ભાણદ્રા માઈનોર કેનાલમાં મોટું ગાબડું પડતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હોવાની ઘટના સામે આવતા એ વિસ્તારનાં ખેડુતોમાં રોષ ફેલાયો હતો.ત્યારે હવે નાંદોદ તાલુકાના જીયોરપાટી ગામથી બીડ વચ્ચેની કેનાલમાં ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું છે.એ વિસ્તારનાં ખેડુતોની માંગ છે કે અધિકારી પર તપાસ થાય, અને કેનાલ રીપેરીંગ કરનાર એજન્સીને બ્લેક લીસ્ટ કરવામાં આવે.
નાંદોદ તાલુકાનાં જીયોરપાટીથી ટંકારી ગામ વચ્ચે લગભગ 6 કિમી લાંબી કેનાલનું એજન્સી દ્વારા રીપેરીંગ કરવામાં આવી રહ્યું છે.તો બીજી બાજુ જીયોરપાટીથી બીડ વચ્ચે કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળતા ખેડુતો રોષે ભરાયાં છે.ખેડુતો આગેવાન સુરેશભાઈ જેઠાભાઈ વસાવાએ (તલાટી) જણાવ્યું હતું કે આ કેનાલ જ્યારે રીપેર ન્હોતી થઈ ત્યારે એની હાલત સારી હતી, હાલ રીપેર થયા પછી હાલત બદતર થઈ ગઈ છે.કેનાલમાં સિમેન્ટ કોંક્રિટ કરી રીપેરીંગ કરવાનું હોય છે એની જગ્યાએ માટી પુરી હલકી કક્ષાનો સિમેન્ટ પાથરી દેવામાં આવ્યો છે.
આખી કેનાલમાં આ જ મુજબની કામગીરી કરવામાં આવી છે, એટલે આગામી સમયમાં આખી કેનાલ તુટી જશે.એવી સ્થિતિએ ખેડુતોના ખેતરમાં પાણી ભરાઈ જશે ત્યારે નુકશાનીનો જવાબદાર કોણ.ગુજરાત સરકાર સિંચાઈ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, પણ અધિકારીઓ અને એજન્સીના વાંકે સરકાર બદનામ થાય છે.જે જગ્યાએ કેનાલ લીકેજ થઈ છે ત્યાં અલગ અલગ જગ્યાએ કુવાઓ પણ ફાટી ગયા છે.
કરજણ કેનાલના તકલાદી કામનો આ આદર્શ નમુનો છે.જેમણે આ કેનાલનું સુપરવિઝન કર્યુ છે અને કામનું કંપ્લીશન સર્ટી આપ્યું છે એવા કર્મચારીઓ અને અધિકારીઓને સસ્પેન્ડ કરી તપાસ થવી જોઈએ અને કામ કરનાર એજન્સીને બ્લેક લીસ્ટ કરવી જોઈએ તેમ અગ્રણી સુરેશભાઈ વસાવા એ જણાવ્યું છે.