રાજકોટમાં આઈ.પી.ઓ માં રોકાણ કરવાની લાલચ આપી 8.75 કરોડની ઠગાઈ
આઈપીઓમાં રોકાણના નામે ઉંચા વળતરની લાલચ આપી રાજકોટના ઉદ્યોગપતિ અશોકભાઈ માવજીભાઈ દુધાગરા સાથે મર્ચન્ટ બેન્કર્સ તરીકે કામ કરતાં કમલ જવરલાલ કોઠારી તેના પુત્ર આનંદ અને લિપીકા ભટ્ટાચાર્ય (રહે. ત્રણેય 18-દેશપ્રિય પાર્ક રોડ, સાઉથ કોલકતા)એ રૂા. 8.75 કરોડ જેવી માતબર રકમની છેતરપિંડી કર્યાની ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે. યુનિ. રોડ પર પુષ્કરધામ મંદિર પાસે આલાપ એવન્યુમાં રહેતાં અશોકભાઈ યુનિ. રોડ પર શિવાલીક-2માં એપેક્ષ કોર્પોરેશન નામની ઓફિસ ધરાવે છે.
જેમાં કોટન-ગાંસડી અને કોટન યાર્નના ટ્રેડિંગનું કામ કરે છે. ભાગીદાર તરીકે દિનેશભાઈ માવજીભાઈ મકવાણા છે. અશોકભાઈએ પોલીસને જણાવ્યું કે અગાઉ તેને કાલાવડ તાલુકાના રણુજા રોડ પર એન્જલ ફાયબર લીમીટેડ નામની ફેકટરી હતી. જયાં કોટનના દોરા બનાવવાનું કામ હતું. ફેકટરીની રજીર્સ્ટડ ઓફિસ શિવાલીક-2માં જ હતી. 2018માં એન્જલ ફાયબર પ્રા. લી.નો આઈપીઓ લાવવાનો હતો.
જેથી સીએ જે.જી. ઉનડકટ મારફત મર્ચન્ટ બેન્કર તરીકે કામ કરતા કમલ કોઠારીનો સંપર્ક થયો હતો. 2018માં તેની કંપનીના આઈપીઓનું બોમ્બે સ્ટોક એક્ષચેન્જમાં લીસ્ટીંગ થયું હતું. તે વખતે આઈપીઓના લીડ મેનેજર તરીકે ગીનીસ સિકયુરીટી લી. (મુંબઈ-કોલકતા)ના માલીક કમલ કોઠારી જે સેબીમાં રજીસ્ટર છે તે હતા. તેની ઓફિસ મુંબઈમાં મરીન ડ્રાઈવ પર બજાજ ભવનમાં હતી. તે વખતે કમલ અને તેના પુત્ર આનંદે તેને જણાવ્યું કે અમારી કંપની અલગ-અલગ કંપનીના આઈપીઓ લાવવા માટે મર્ચન્ટ બેન્કર્સ તરીકે કામ કરે છે.
જેમાં રોકાણ કરવાથી તમને બે વર્ષમાં ખૂબ સારૂ વળતર અપાવશું. થોડા સમય બાદ કમલે તેને કોલ કરી કહ્યું કે તમારી પાસે હાલ રૂપિયા હોય તો મને આપો, અમારી કંપની હાલમાં જ એક આઈપીઓ લીસ્ટીંગ કરવા જઈ રહી છે, તેમાં સારૂ વળતર મળશે.