સુરતમાં ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર સીધી ઈલેક્ટ્રિક થાંભલા સાથે અથડાઈ
સુરતના પુણાગામ ખાતે સ્કૂલના ગેટ નજીક ઈલેક્ટ્રિકના થાંભલા સાથે ધડાકા સાથે કાર અથડાઈ હતી. કારચાલક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જ્યો હતો. કાર અથડાતાં બેમાંથી એક થાંભલો તૂટી ગયો હતો અને વાયરોના સહારે લટકી રહ્યો હતો. અકસ્માતની સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ હતી. ઘટના બાદ DGVCLના કર્મચારીઓ તાત્કાલિક સ્થળે દોડી આવ્યા હતા. ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં વીજ સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો. સબનસીબે ઘટનામાં મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી.સુરતના પુણાગામ વિસ્તારમાં નંદનવન સોસાયટીની હરીઓમ સ્કૂલના ગેટ પાસે અકસ્માતની ઘટના સામે આવી હતી. જ્યાં એક કારચાલક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી અચાનક જ ધડાકાભેર સ્કૂલના ગેટ નજીક રહેલા વીજ થાંભલા સાથે કાર અથડાઈ હતી. કારની ટક્કરના લીધે વીજળીનો મજબૂત થાંભલો પણ તૂટી પડ્યો હતો.
અકસ્માતના સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં જોવા મળ્યું હતું કે, અચાનક જ સફેદ કલરની એક સ્પીડમાં દોડતી કાર વીજ થાંભલા સાથે જોરદાર અથડાઈ હતી. જેને લઇ ચાલુ વીજ કરંટ સાથેના થાંભલો પડતો પડતો રહી ગયો હતો. ઘટના બનતા જ આસપાસથી લોકો દોડી આવ્યા હતા. કારચાલક પણ તાત્કાલિક બહાર નીકળી ગયો હતો.કારચાલક દ્વારા સર્જાયેલા આ અકસ્માતમાં સદનસીબે મોટી દુર્ઘટના અને જાનહાનિ થતા બચી ગઈ હતી. કારણ કે, જે જગ્યાએ બનાવ બન્યો તેની બાજુમાં જ ધોરણ 1થી 12 સુધીના વિદ્યાર્થીઓની હરિઓમ સ્કૂલ આવેલી છે. ત્યારે હરિઓમ સ્કૂલના ગેટ પાસે જ આ વીજ કરંટ સપ્લાય સાથેનો થાંભલો તૂટીને પડ્યો હતો. સ્કૂલ છૂટવાના થોડા સમય પહેલા જ આ ઘટના બનતા મોટી જાનહાનિ થતા ટળી ગઈ હતી.બનાવ અંગે આસપાસથી એકત્ર થઈ ગયેલા લોકો અને કારચાલક દ્વારા તાત્કાલિક ડીજીવીસીએલના અધિકારીઓને અને પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતા જ DGVCLના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. બનાવને પગલે તાત્કાલિક આ વિસ્તારમાં વીજ સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો. અને વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા તૂટી ગયેલા થાંભલા ને દૂર કરી નવો થાંભલો અને વીજ કનેક્શન કરવાની કામગીરી શરૂ કરી હતી. જોકે, બનાવ અંગે કારચાલક સામે જાણવાજોગ પુણા પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.