ગાંધીનગરના સરગાસણ બ્રિજ પાસે ડિવાઈડર કુદી બસ ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ

ગુજરાત
ગુજરાત

ગાંધીનગરના સરગાસણ બ્રિજના છેડે ડિવાઇડર કૂદીને સ્કૂલ બસ ધડાકાભેર ઝાડને જઈને અથડાઈ હતી. જેનાં કારણે બસનો આગળ ભાગ દબાઈ જતાં ડ્રાઇવર ફસાઈ ગયો હતો. જેને ભારે જહેમત પછી ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢી સારવાર અર્થે ખસેડયો હતો. જો કે સદનસીબે સ્કૂલ બસમાં બાળકો નહીં હોવાથી મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ છે. આ અકસ્માતના પગલે વિદ્યાર્થીઓને લઈને દોડતા સ્કૂલ વાહનો સામે કડકાઈથી પગલાં ભરવાની નગરજનોમાં માંગ ઉઠવા પામી છે.ગાંધીનગરમાં વિદ્યાર્થીઓને ઘેટાં બકરાંની માફક ભરીને દોડતી રીક્ષા અને સ્કૂલ વાન ચાલકો બેફામ ગતિએ વાહનો હંકારતા છાશવારે નજરે ચડતા હોય છે. નિયત સંખ્યામાં બાળકોને બેસાડવાનો નિયમ હોવા છતાં સ્કૂલ વાહન ચાલકો નિયમોનો ઉલાળિયો કરતાં હોવાથી ઘણીવાર નાના મોટા અકસ્માતોની ઘટના પ્રકાશમાં આવતી રહેતી હોય છે.હજી થોડા દિવસ અગાઉ જ ગાંધીનગર જિલ્લા ટ્રાફિક પીઆઈ જી.કે. ભરવાડે સ્કૂલ બસનાં ડ્રાઇવરોને બોલાવીને ટ્રાફિકના નિયમોનાં પાઠ ભણાવવામાં આવ્યા હતા. તેમ છતાં સ્કૂલ બસના ડ્રાઇવરો શેઠની શિખામણ ઝાંપા સુધી કહેવત મુજબ બસ હંકારી નિર્દોષ બાળકો અને રાહદારીઓનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. આવી જ એક ઘટના આજે સવારના સમયે પ્રકાશમાં આવી છે.આજરોજ સરગાસણ બ્રિજનાં છેડે ડિવાઇડરમાં ઘુસીને સ્કૂલ બસ ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ હતી. જેનાં કારણે બસનો આગળનો ભાગ દબાઈ જતાં ડ્રાઈવર ફસાઈ ગયો હતો. આ બનાવના પગલે મોટી સંખ્યામાં રાહદારીઓ એકઠા થઈ ગઈ ગયા હતા. ત્યારે સ્કૂલ બસમાં બાળકો નહીં હોવાથી રાહદારીઓને પણ હાશકારો થયો હતો. ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને ભારે જહેમત પછી ઈજાગ્રસ્ત ડ્રાઈવરને બસની બહાર કાઢીને સારવાર અર્થે મોકલી આપ્યો હતો. ત્યારે આ બસ લાલજી મેહરોત્રા લાયન્સ સ્કૂલની બસ હોવાનું સામે આવ્યું હતું. જેનો ડ્રાઈવર આકાશ ઠાકોર સ્કૂલ બસ લઈને નિકળ્યો હતો. જો કે સદનસીબે સ્કૂલ બસમાં વિધાર્થીઓ નહીં હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. આ મામલે હાલમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.